વાંકાનેર હાઇવે પર ટ્રકનની હડફેટે ચડી કાર, ટ્રક ચાલક નાસી છૂટ્યો
મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર નિર્મળ જ્યોત પેટ્રોલપંપ નજીક કન્ટેનર ટ્રકના ચાલકે કારને પાછળથી ઠોકર મારતા કારમાં બેઠેલા દંપતી અને તેમના બે પુત્રોને ઈજાઓ પહોંચતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં કન્ટેનર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લગ્ધીરનગર(નવાગામ) ખાતે રહેતા રમેશભાઈ ગોવિંદભાઈ ફુલતરીયા પોતાની કાર લઈને પરિવાર સાથે જતા હતા ત્યારે નિર્મળ જ્યોત પેટ્રોલપંપ નજીક કન્ટેનર ટ્રક રજીસ્ટ્રેશન નંબર જીજે-12 -બીટી-7930 ના ચાલકે પૂરઝડપે અને ગફલત ભરી રીતે ફિકરાઈથી મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે કન્ટેનર ટ્રક ચલાવી રમેશભાઈની હ્યુન્ડાઇ વેન્યુ કારને પાછળથી ઠોકર મારતા કારમાં બેઠેલા રમેશભાઈના પત્ની સવિતાબેન, પુત્ર દેવ અને સિદ્ધાંત તેમજ રમેશભાઈને ઈજાઓ પહોંચી હતી અને કારમાં નુકશાન પહોંચ્યું હતું. જો કે, અકસ્માત સર્જી કન્ટેનર ટ્રકનો ચાલક નાસી ગયો હતો. ઘટના અંગે રમેશભાઈએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં કન્ટેનર ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.