હળવદમાં કુદરતી હાજતે ગયેલ આદિવાસી યુવાનનું શંકાસ્પદ કારણોસર પાણીમાં ડૂબી જવાથી મોત
હળવદના રાણેકપર રોડ ઉપર આવેલ પંચામૃત બંગ્લોઝની બાજુમાં તળાવ પાસે આદિવાસી યુવાન કુદરતી હાજતે ગયો હતો ત્યારે કોઈ કારણોસર અકસ્માતે તે તળાવમાં પડી જતાં પાણીમાં ડૂબી જવાના લીધે તેનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને તેનો ભાઈ હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને આ બનાવની તેના દ્વારા હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ એમપીના અલીરાજપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં હળવદના રાણેકપર રોડ ઉપર આનંદ બંગલોઝ પાછળ પંચામૃત બંગ્લોઝ પાસે રહેતા કિશનભાઇ ધીસાભાઈ સાપલીયા જાતે આદિવાસી (૨૬) પંચામૃત બંગ્લોઝની પાછળના ભાગમાં આવેલ તળાવ પાસે કુદરતી હાજતે ગયા હતા દરમિયાન અકસ્માતે તે તળાવના પાણીમાં પડી જતા પાણીમાં ડૂબી જવાના કારણે કિશનભાઇ સાપલિયાનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ પાણીમાંથી તેના બોડીને બહાર કાઢીને તેના ભાઈ બાબુભાઈ ભીખાભાઈ સાપલિયા જાતે આદિવાસી (૨૯) રહે હાલ રાણીપર રોડ હળવદ મૂળ રહે એમપી વાળા હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના ભાઈ દ્વારા હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે