મોટા દહીંસરા નજીક ડમ્પરની હડફેટે આવતા યુવાનનું મૃત્યુ
માળીયાના મોટા દહીસર રેલવે ફાટક પાસે પુરપાટ વેગે આવતાં ડમ્પરે રફતારની ગતિમાં રાહદારી યુવકને અડફેટે લેતા તેનું મોત નિપજ્યાંની ઘટના સામે આવી છે. આ મામલે માળિયા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થવા પામી છે.
જેમાં મૃતકના નાના ભાઈ ફરિયાદી જાવેદભાઈ ભટ્ટીએ જણાવ્યું હતું કે, તા.૧૩/૦૮/૨૦૨૩ ના સાંજના પાચેક વાગ્યાના અરસામા તેમના મોટાભાઈ જાફરભાઈ ઇસ્માઈલભાઈ ભટ્ટી મોટા દહીસર રેલવે ફાટક પાસેથી પગપાળા પસાર થઈ રહ્યા હતા. એ સમયે એક ડમ્પર રજીસ્ટર નંબર GJ-05-BU-2493નો ચાલક પુરપાટ વાગે આવ્યો હતો અને તેણે રફતારની ગતિમાં જાફરભાઈને અડફેટે લીધા હતા. જેને પગલે અકસ્માત સર્જાયો હતો. જેમાં જાફરભાઈના સાથળના ભાગે, બંને પગના ઢીંચણના ભાગે અને જનનાંગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.

જેથી તેમને લોહી લુહાણ હાલતમાં ૧૦૮ મારફતે મોરબીની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ જાફરભાઈને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. જેથી પરિવારજનો દ્વારા તેમને બેભાન અવસ્થામાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ સારવાર મળે એ પૂર્વે જ જાફરભાઈનું મોત નીપજ્યું હતું. આ ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત અંગેની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ રતિલાલ મેરામભાઇ ગરચર ચલાવી રહ્યા છે.