મોરબીની શ્રી દોશી એમ.એસ.અને ડાભી એન.આર.હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા અનેરા ઉત્સાહ સાથે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી.
શિક્ષકમાંથી આપણાં સ્વતંત્ર રાષ્ટ્રના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ બન્યા એવા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ ના જન્મદિવસ 5 સપ્ટેમ્બર ને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 5મી સપ્ટેમ્બરે શાળાઓમાં વિદ્યાર્થીઓ એક દિવસ માટે શિક્ષક બને છે અને આ દિવસે તેઓ શિક્ષક તરીકે પોતાની ફરજ બજાવે છે. વર્ગમાં જઈ પોતાના મનપસંદ વિષયને પોતાના સહાધ્યાયીઓ સામે શિક્ષક બની ને ભણાવે છે.

આવો જ એક કાર્યક્રમ મોરબીની પંચાસર ચોકડી પાસે આવેલી શાળા શ્રી દોશી એમ. એસ. અને ડાભી એન. આર. હાઈસ્કૂલ ખાતે આજે ઉજવવામાં આવ્યો. જેમાં શાળાના કુલ 476 વિદ્યાર્થીઓ માંથી 60 જેટલા વિદ્યાર્થીઓએ આચાર્ય, શિક્ષક, ક્લાર્ક અને પટ્ટાવાળા જેવી જુદી જુદી જગ્યાઓ પર પોતાની ફરજ બજાવીને જીવનમાં વિદ્યાર્થી અવસ્થાના સંસ્મરણો માં એક છોગું ઉમેર્યું.

વિદ્યાર્થીઓ એ પોતાની આગવી છટા અને ભાષામાં એવું શિક્ષણ કાર્ય કર્યું, જાણે કે તેમના મનપસંદ શિક્ષક અને વિષયને વર્ગમાં પ્રતિકૃતિ રૂપે ઉતરતા ન હોય. આઠ વર્ગો માં શિક્ષકોનાં શિક્ષણ કાર્યનું મૂલ્યાંકન શાળાના ગુરુજનો દ્વારા કરવામાં આવ્યું. વર્ગ દીઠ શ્રેષ્ઠ ત્રણ શિક્ષકોને અભિનંદન સાથે પ્રોત્સાહક ઈનામ આપવામાં આવ્યા. આ ઉપરાંત આ સિવાય ના તમામ વિદ્યાર્થીઓ કે જેમણે આજના શિક્ષક દિવસની ઉજવણી માં ભાગ લીધો એમને પ્રોત્સાહક ઈનામ આપવામાં આવ્યા.

અંતમાં સમૂહ પ્રાર્થના કાર્યક્રમમાં શિક્ષક બનેલા વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા. મૂલ્યાંકનકાર તરીકે શાળાના ગુરુજનોએ વિદ્યાર્થીઓ ના કાર્ય ને બિરદાવતા પ્રતિભાવો આપ્યાં. શાળાના આચાર્યશ્રી ભરતભાઈ ગોપાણી ની યાદી જણાવે છે કે આજના દિવસને યાદગાર બનાવવા શાળાના શિક્ષક વી.બી. વેકરિયા, બી. બી. દવે અને સમગ્ર સ્ટાફએ ખૂબ જહેમત ઉઠાવી આજનાં દિવસનું આયોજન અને અમલીકરણ કર્યું. વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય બાદ તેમને પ્રોત્સાહિત કરવાનાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક પી. કે. વડાવિયા એ કર્યું.