• ડોક્ટરે કહ્યું આપણે કેન્સર છે ઓપરેશન ઝડપથી કરવો, શિક્ષકે કહ્યું મારાં છાત્રોને ગણિતનો કોર્ષ પૂરો કરાવી દઉં પછી કેન્સરનું ઓપરેશન કરજો ને! : કરૂણ સંવાદ
  • મારા મોઢાની સર્જરી બાદ મારાથી વિદ્યાર્થીઓને ન ભણાવી શકાય તો તેનું કોણ

રાજકોટની બાજુમાં આવેલા ખેરડી ગામની સરકારી હાઇસ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા રમણીકભાઇ ડોબરીયાને મોઢાનું કેન્સર ડિટેક્ટ થતાં કેન્સર સર્જને તાત્કાલિક સર્જરી કરાવવા સલાહ આપી હતી. આ કર્મનિષ્ઠઆચાર્ય એ ડોકટરને પૂછ્યું, "સાહેબ થોડી મોડી સર્જરી કરાવું તો ન ચાલે ?" ડોકટરે સામો પ્રશ્ન કર્યો, "કેન્સર જેવા ગંભીર રોગમાં સર્જરી પાછી ઠેલવાનું કોઈ ખાસ કારણ ?" ડોક્ટરના પ્રશ્નનો જવાબ આ ડોબરીયા સાહેબ, આપ્યો કે હું શાળામાં આચાર્ય છું પણ વિદ્યાર્થીઓને ભણાવવું મને બહુ ગમે છે એટલે મારી શાળાના દસમા ધોરણના વિદ્યાર્થીઓને હું ગણિત ભણાવું છું. 

 
અભ્યાસક્રમ પૂર્ણ થયા બાદ મોઢાના કેન્સરની સર્જરી કરવા કરી વિનંતી :  શિક્ષક

અત્યારે નવેમ્બર મહિનો ચાલે છે એટલે હજુ થોડો અભ્યાસક્રમ બાકી છે. મારા મોઢાની સર્જરી બાદ મારાથી વિદ્યાર્થીઓને ન ભણાવી શકાય તો એના અધૂરા અભ્યાસક્રમનું હવે શું થાય એનો સતત વિચાર આવ્યા કરે છે એટલે જો મોડું ઓપરેશન ચાલે એમ હોય તો હું વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ પૂરો કરાવી દઉં જેથી બોર્ડની પરીક્ષામાં મારા વિદ્યાર્થીઓ પાછા ન પડે." ડોકટરે કહ્યું, 'ઑપરેશન તો તાત્કાલિક જ કરવું પડે એમ છે પણ સારી રિકવરી થશે તો તમે બે મહિના પછી વિદ્યાર્થીઓને ભણાવી શકશો.' ડોકટરની સલાહ પ્રમાણે સર્જરી કરવાનું નક્કી થયું. ડોબરીયા સાહેબને સર્જરી માટે ઓપરેશન થીયેટરમાં લાવ્યા ત્યારે ડોક્ટરે જોયું કે તેઓ કોઈ ઊંડા વિચારમાં છે. ડોકટરે પૂછ્યું, 'સાહેબ, શું વિચારો છો ?' ડોબરીયા સાહેબે કહ્યું, "સાહેબ, મને હજુ પણ મારા વિદ્યાર્થીઓનો જ વિચાર આવે છે. ગામડાના વિદ્યાર્થીઓ છે અને માર્ચમાં બોર્ડની પરીક્ષા છે. અત્યારે ગણિત માટે બીજા કોઈ શિક્ષકની વ્યવસ્થા પણ ન થાય એટલે વિદ્યાર્થીઓના બાકી અભ્યાસક્રમનું શું થશે એની ચિંતા થાય છે. તમે કંઇક એવું કરજો કે હું ઝડપથી બોલતો થઈ જાવ.


ડબલ શિફ્ટમાં કામ કરી ગણિતનો અભ્યાસક્રમ પૂર્ણ કરાવ્યો


ઓપરેશન ટેબલ પર સૂતેલો માણસ પોતાના સ્વાસ્થ્યની ચિંતા કરવાના બદલે બીજાનો વિચાર કરે એ કોઈ સામાન્ય બાબત નહોતી. ડોકટરે પણ સાંત્વના આપતા કહ્યું, 'તમારી આવી ભાવનાને કારણે ભગવાન પણ મદદ કરશે'  સતત વિદ્યાર્થીઓની જ ચિંતા કરતા આ શિક્ષકના મોઢાના કેન્સરની સર્જરી બાદ ૪૫માં દિવસે વિદ્યાર્થીઓને ભણાવવા માટે શાળાએ આવી ગયા હતા. બાકીનો અભ્યાસક્રમ પૂરો કરવા માટે ડબલ શિફ્ટમાં કામ કર્યું અને બોર્ડની પરીક્ષા પહેલા ગણિતનો અભ્યાસક્રમ પણ પૂરો કરાવ્યો હતો. રમણીકભાઈ ડોબરીયા જેવા શિક્ષકને કારણે ખેરડીની આ સરકારી શાળા બોર્ડ પરીક્ષાના પરિણામમાં દર વર્ષે શ્રેષ્ઠતમ દેખાવ કરે છે. પોતાના સ્વાસ્થ્ય કે પરિવાર પહેલા જેને વિદ્યાર્થીઓના ભવિષ્યનો વિચાર આવે છે. ત્યારે આ શિક્ષકની કર્તવ્યનિષ્ઠાને વાલીઓ મુક્તમને બિરદાવી રહ્યા છે..

You Might Also Like