Rice Export Ban: સરકારે ચોખાની નિકાસ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો કેમ લીધો આવો નિર્ણય
સરકારે બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારે આજે એક નોટિફિકેશનમાં આ જાણકારી આપી છે. દેશમાં ચોખાના ભાવમાં વધારાને રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. જોકે ચોખાની નિકાસને અમુક શરતો સાથે મંજૂરી આપવામાં આવશે. જો નોટિફિકેશન પહેલા જહાજોમાં ચોખાનું લોડિંગ શરૂ થઈ ગયું હોય તો તેની નિકાસને મંજૂરી આપવામાં આવશે. આ સાથે ચોખાની નિકાસને પણ તે કિસ્સાઓમાં મંજૂરી આપવામાં આવશે જ્યાં સરકારે અન્ય દેશોને તેની મંજૂરી આપી છે. સરકારે આ દેશોની ખાદ્ય સુરક્ષા જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આવી પરવાનગી આપી છે. દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ખાણી-પીણીની કિંમતમાં ઘણો વધારો થયો છે. ઘઉં, ચોખા, દૂધ અને શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થયો છે. છેલ્લા દસ દિવસમાં દેશભરમાં ચોખાના ભાવમાં 20 ટકાનો વધારો થયો છે.
કમોસમી વરસાદના કારણે ડાંગર અને કઠોળની વાવણી હેઠળનો વિસ્તાર ઓછો આવ્યો છે. 14 જુલાઇ સુધીના આંકડા મુજબ ખરીફ વાવણીમાં બે ટકાનો ઘટાડો થયો છે. ડાંગર હેઠળનો વિસ્તાર 6.1 ટકા અને કઠોળનો 13.3 ટકા છે. કારણ કે પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ઓછો વરસાદ થયો છે. પશ્ચિમ બંગાળ ડાંગરનું મુખ્ય ઉત્પાદક છે જ્યારે મહારાષ્ટ્ર અને કર્ણાટક હાલમાં દેશના કઠોળના 50 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે.

કઠોળ અને ડાંગરની વાવણી માટે આગામી બે સપ્તાહ નિર્ણાયક છે. ભારત વિશ્વમાં ચોખાનો સૌથી મોટો નિકાસકાર છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સરકારે તૂટેલા ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમજ વિવિધ પ્રકારના ચોખાની નિકાસ પર 20% ડ્યુટી લાદવામાં આવી હતી.
ચોખાના ભાવમાં વધારો
અગાઉ બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે સરકાર ચોખાની મોટાભાગની જાતોની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહી છે. જેના કારણે દેશના 80 ટકા ચોખાની નિકાસ પર અસર પડી શકે છે. આના કારણે દેશમાં ચોખાના ભાવ ઘટશે પરંતુ વિશ્વમાં ચોખાના ભાવ વધી શકે છે. છેલ્લા દસ દિવસમાં દેશભરમાં ચોખાના ભાવમાં 20 ટકાનો વધારો થયો છે. આનું કારણ એ છે કે દેશના ડાંગર ઉત્પાદક રાજ્યોમાં વરસાદ યોગ્ય રીતે થયો નથી.