મોરબીના ધારાસભ્ય કાંતિભાઈએ પૂર્વ સત્તાધીશોના કૌભાંડો અને ઢોર, સ્ટ્રીટ લાઇટ અંગેના કાર્યોની તપાસની માંગ ઉઠાવી
મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય દ્વારા તાજેતરમાં નગરપાલિકાની ગટરમાં કોથળા, ગાભા તથા પથ્થર નાખી જતા હોવા અંગેનો સોશિયલ મીડિયામાં એક વિડીયો મુકવામાં આવ્યો હતો ત્યારબાદ વધુ એક વીડિયો સોશિયલ મીડિયા મૂકવામાં આવ્યો છે જેમાં તેઑ જણાવી રહ્યા છે કે, નગરપાલિકાની ટીમ દ્વારા હાલમાં ગટરની સફાઈ કરવામાં આવેલી છે તેમાં કોથળામાં ભરેલા ગાભા અને પથ્થર ગટરમાંથી નીકળી રહ્યા છે આમ કરવાની પાલિકા તથા તેઓને બદનામ કરવા માટે થઈને જે તત્વો દ્વારા પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે તેનાથી તેઓ, પાલિકાનો સ્ટાફ કે ભાજપના કાર્યકર્તાઓ થાકવાના નથી અને તેની સામે લડવાના છે વધુમાં તેમણે એવું પણ જણાવ્યું છે કે મોરબીમાં ઢોર, સ્ટ્રીટ લાઇટ વિગેરે મુદ્દાની સીએમ પાસે તેઓએ તપાસની માગણી કરેલી છે અને પાલિકાને લૂંટવા વાળાએ અગાઉ લૂંટી લીધું હવે તેને પાલિકાના પગથીયા ભૂલી જવાના છે તેવી પણ વિડિયોમાં ટકોર કરી છે
મોરબી નગરપાલિકાની બોડીને સુપરસીડ કરવામાં આવ્યા બાદ સરકાર દ્વારા હાલમાં વહીવટદાર અને ચીફ ઓફિસર મૂકીને મોરબી નગરના લોકોને પ્રાથમિક સુવિધા મળે તેના માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને તે કામગીરી ઉપર મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય સતત નજર રાખી રહ્યા છે તેમજ જે વિસ્તારમાં કામગીરી ચાલુ હોય ત્યાં વિઝીટ પણ કરતા હોય છે દરમિયાન થોડા દિવસો પહેલા તેમણે એક વિડીયો મૂક્યો હતો કે મોરબી પાલિકાની ગટરમાં કોથળા, ગાભા, પથ્થર વગેરે જેવી વસ્તુઓ નાખી દેવામાં આવે છે જેના કારણે ગટર ઉભરાતી હોય છે તેવામાં ગઈકાલે મોડી રાત્રે તેમણે વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે, મોરબી પાલિકાની ટીમ દ્વારા હાલમાં ગટરની સફાઈ કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે જુદા જુદા વિસ્તારની અંદરથી ગટરમાંથી કોથળા, ગાભા ભરેલા કોથળા તેમજ પથ્થર વિગેરે મળી આવેલ છે જેને બહાર કાઢીને ગટરની સફાઈ કરવામાં આવી છે

જોકે આવી રીતે ગટર બંધ કરવા માટે થઈને વારંવાર જે પ્રવૃત્તિ કરવામાં આવે છે તે શખ્સો જો પકડાઈ ગયા હતો તેને છોડવામાં નહીં આવે તેવી પણ ગંભીર ચેતવણી ધારાસભ્ય દ્વારા આપવામાં આવી છે તેની સાથો સાથ તેમણે એવું પણ જણાવ્યું છે કે, મોરબી નગરપાલિકામાં અગાઉ થયેલ કામગીરી બાબતે તેઓએ સીએમ પાસે ઢોર, સ્ટ્રીટ લાઇટ સહિતના મુદ્દાઓને લઈને તપાસની માગણી પણ કરેલી છે અને અગાઉ નગરપાલિકામાંથી લૂંટવા વાળાએ લૂંટી લીધું છે હવે તે લોકોને મોરબી નગરપાલિકાના પગથિયા ભૂલી જવાના છે આવી ટકોર તેમના દ્વારા કરવામાં આવી છે જે અધિકારી, પદાધિકારી, ચૂંટાયેલા સભ્યો કે પછી કોન્ટ્રાક્ટરો માટે છે તે આગામી સમય જ બતાવશે
અંતમાં એવું પણ જણાવ્યું હતું કે પ્રજાના પૈસાનો દુરુપયોગ ન થાય અને દેશના વડાપ્રધાનની લાગણી છે કે એક રૂપિયો મોકલે તે એક રૂપિયાનું કામ થાય તે પ્રકારની કામગીરી હવે મોરબી પાલિકામાં થશે અને આ કામગીરી કરવા માટે તેઓ કટિબંધ્ધ છે અને પ્રજા માટે લડે છે ત્યારે દિવસેને દિવસે તેના દુશ્મન વધે છે પરંતુ મોરબીમાં સારા માણસો સારી રીતે રહી શકે, સારી રીતે વેપાર ધંધા કરી શકે તે માટે થઈને તેઓ હાલમાં જે લડાઈ કરી રહ્યા છે તેમાં થાકવાના નથી ખાસ કરીને તેમણે એમ પણ જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલા મોરબીની આસપાસના વિસ્તારમાં જે સ્પા આવેલા છે તેમાં ગોરખધંધા ચાલે છે તે બાબતનો વિડીયો મૂક્યો હતો તેને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા હાલમાં એક સ્પાની અંદર રેડ કરીને કાર્યવાહી કરવામાં આવેલ છે જો કે, ધારાસભ્ય દ્વારા થોડા દિવસો પહેલા મોરબીમાં કોઈ એક વિષયને લઈને પાંચ કરોડ રૂપિયાનો તોડ થયો હોવા અંગેની વાત પણ પોતાના સોશિયલ મીડિયામાં મુકેલા વીડિયોમાં કરવામાં આવી છે પરંતુ આ બાબતને પોલીસે ગંભીરતાથી કેમ લીધેલ નથી તે પણ તપાસનો વિષય છે