દેશના 20 રાજ્યમાં ચાર દિવસમાં ભારે વરસાદ

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પહેલીવાર મુંબઈ અને દિલ્હીમાં એકસાથે ચોમાસુંબેસશે. સામાન્યપણે કેરળમાં 1લી જૂને પ્રવેશતું ચોમાસું11 જૂન સુધીમાં મુંબઈ અને 27 જૂન સુધીમાં દિલ્હીને આવરી લેતું હોય છે. પણ બિપરજોય વાવાઝોડાની અસરને કારણે આ વર્ષે ચોમાસાની ગતિમાં ફેરફાર જોવા મળ્યો છે.

ગુજરાતમાં આજે ચોમાસુંબેસી જવાની સંભાવના છે. વાવાઝોડાને કારણે પશ્ચિમ ભારતમાં ચોમાસુંમોડું થયું છે પણ ઉત્તર ભારતના રાજ્યોમાં ચોમાસાની ગતિ ઝડપી રહી છે.

ભારતીય હવામાન વિભાગના વરિષ્ઠ વિજ્ઞાની ડી.એસ.પઈએ સમજાવ્યું હતું કે વાવાઝોડાની અસરને કારણે દક્ષિણ-પશ્ચિમ ભારતમાં ચોમાસાની આગળ વધવાની ગતિ ધીમી પડી છે જ્યારે બંગાળના અખાતમાંથી શરૂ થતી ચોમાસાની બીજી શાખા પ્રબળ હોવાથી તેણે ઉત્તર-પૂર્વના રાજ્યોમાં ઝડપથી આગેકૂચ કરી છે.

શનિવારે ચોમાસું એક જ દિવસમાં દેશના છ રાજ્ય મધ્ય પ્રદેશ, હરિયાણા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને લદાખ પહોંચી ગયું. મધ્ય પ્રદેશમાં મંડલા, બાલાઘાટ, સિવની, શહડોલ અને રીવાના કેટલાક હિસ્સામાં વરસાદ સાથે ચોમાસાની શરૂઆત થઈ. આ ઉપરાંત સમગ્ર ઉત્તરાખંડ અને હિમાચલમાં એક જ દિવસમાં ચોમાસું જામી ગયું. સામાન્ય રીતે 24 જૂન સુધી દેશમાં 119 મિ.મી. વરસાદ પડે છે, પરંતુ આ વખતે આ આંકડો 83 મિ.મી. છે. એટલે કે આ વર્ષે અત્યાર સુધી સિઝનનો 30% વરસાદ ઓછો પડ્યો છે. હવામાન વિભાગના મતે, હરિયાણામાં યમુના નગર સુધી, પૂર્વ ઉત્તર પ્રદેશમાં સિદ્ધાર્થનગર અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં બિજનૌર સુધી ચોમાસું પહોંચ્યું છે.

છત્તીસગઢ, બિહાર અને ઝારખંડના બાકીના હિસ્સાને પણ ચોમાસાએ કવર કરી લીધો છે. પશ્ચિમી ઘાટ પર મહારાષ્ટ્રના રત્નાગિરી નજીક 12 દિવસથી અટકેલું ચોમાસું નાગપુર સુધી પહોંચી ગયું છે. આગામી 24થી 48 કલાકમાં ચોમાસું મહારાષ્ટ્રમાં મુંબઈ સુધી તેમજ મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં હજુ આગળ વધશે. ગુજરાતના પણ અમુક વિસ્તારો સહિત દિલ્હી, ચંડીગઢ, પંજાબ અને પૂર્વ રાજસ્થાન સુધી ચોમાસું ફેલાશે. આગામી બે દિવસ માટે સાત રાજ્યમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે.

આ ઉપરાંત આગામી ચાર દિવસ વીસ રાજ્યમાં ભારે વરસાદની પણ આગાહી છે. મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં જોરદાર વરસાદ પડ્યો છે. બિહાર, પશ્ચિમ બંગાળ, ઝારખંડમાં 25 જૂન સુધીમાં તેજ પવનો સાથે 26 જૂન સુધી વરસાદની શક્યતા છે. ઓડિશામાં પણ 25 જૂન સુધી ભારે વરસાદની ચેતવણી છે.

You Might Also Like