ભરચોમાસે મોરબીનું નવી ટીબંડી ગામ તરસ્યું પાણી માટે, લોકોએ કરી પાણી પુરવઠા તંત્રને રજુઆત
નવી ટીબંડી ગામ અને આસપાસના વિસ્તારોમાં જૂની પાણીની લાઇન પાણી પુરવઠા તંત્રએ બંધ કરીને નવી પાણીની લાઇનમાં પાણી ચાલુ કરતા પાણીની કટોકટી સર્જાઈ છે. જો કે પહેલા પાણી પુરવઠા તંત્રએ ખાતરી આપ્યા બાદ નવી પાણીની લાઇનમાં જ પાણી ચાલુ કરી દીધાનું જાહેર કરતા આ ગામ અને આસપાસના વિસ્તારો ભર ચોમાસે પાણી વગર મુશ્કેલીમાં મુકાયા છે. આથી હવે પછી ગ્રામજનો પાણી માટે લડત ચલાવવા રણનીતિ ઘડવા નક્કી કર્યું છે.
મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલ નવી ટીબંડી ગામ અને ગણેશનગર તેમજ પાટીદાર ટાઉનશીપ સહિતના વિસ્તારોમાં અત્યાર સુધી મહેન્દ્રનગર ગામની જૂની પાણીની લાઈનમાંથી પાણી આપવામાં આવતું હતું પરંતુ મહેન્દ્રનગર ગામની નવી પાણીની લાઇન ચાલુ થતા જૂની લાઇન બંધ કરી દેવામાં આવી છે. આથી નવી ટીબંડી ગામ અને ગણેશનગર તેમજ પાટીદાર ટાઉનશીપ સહિતના વિસ્તારોમાં પાણીની સમસ્યા સર્જાય છે. સરપંચ સહિતના ગ્રામજનોએ ગઈકાલે પાણી પુરવઠા તંત્રને રજુઆત કરી હતી.

ત્યારે પાણી પુરવઠા તંત્રના કાયરપાલક ઈજનેર વાંકાણીએ આ બાબતે તપાસ કરીને પાણી આપીશું તેવી ખાતરી આપી હતી. પણ ગઈકાલે સાંજે ફરી પાણી પુરવઠા તંત્રએ ગ્રામજનોને જણાવ્યું હતું કે, તમને પાણી આપી શકીશું નહિ , કારણે નવી લાઇન નાખી હોય જૂની લાઇન બંધ કરી દેવામાં આવી છે.
આ અંગે ગામના અગ્રણી રમેશભાઈ વડસોલાએ જણાવ્યું હતું કે, પહેલા પાણી પુરવઠાએ પાણી આપવાનું કહીને પછી ના પાડી દેતા અમે પાણી વગરના થઈ ગયા છીએ.છતે પાણીએ આશરે 3 હજાર જેટલી વસ્તીને તરસે રહેવાનો વખત આવ્યો છે. આથી આ બાબતે ગ્રામજનોને સાથે રાખીને આગળની રણનીતિ નક્કી કરાશે તેમ તેમણે કહ્યું હતું. જ્યારે પાણી પુરવઠા તંત્રના કાયરપાલક ઈજનેર વાંકાણીએ કહ્યું હતું કે, ગામના સંપ કે પાણીના ટાંકો હોય ત્યાં સુધી અમારી પાણી પહોંચાડવાની જવાબદારી હોય છે અને ત્યાંથી ગામને પાણી પૂરું પડવાની જવાબદારી ગ્રામ પંચાયતની હોય છે. જૂની લાઈનમાંથી તેઓ પાણી મેળવતા હતા પણ જૂની લાઇન બંધ થઈ ગઈ છે.