ટંકારાથી ધૂનડા ગામના રોડના કામમાં ખનીજચોરી કરનાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી
સંસ્થાની રજુઆતને પગલે ખાણ ખનીજ વિભાગે યોગ્ય તપાસ કરી બેદરકારી જણાય આવતા કોન્ટ્રાક્ટરને રૂ.34.27 લાખનો દંડ ફટકાર્યો
મોરબી : ટંકારાથી ઘુંનડા ગામને જોડતા માર્ગના માટીકામમાં રોડ કોન્ટ્રાક્ટરે ખનિજચોરી કરીને મોટાપાયે ભ્રષ્ટાચાર કર્યો હોવાથી સંસ્થાએ કાર્યવાહી કરવા ખાણ ખનીજ વિભાગને રજુઆત કરી હતી. આથી આ રજુઆતના આધારે ખાણ ખનીજ વિભાગે રોડનું કામ ચકાસી માટી કામ માટે મોટાપાયે ખનિજચોરી થઈ હોવાનું બહાર આવતા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરીને ખનિજચોરો બદલ રૂ 34.27 લાખનો દંડ ફટકાર્યો છે.
ટંકારાના લોકજાગૃતિ મંચના અધ્યક્ષ વિજય કુંભારવડીયાએ અગાઉ કલેક્ટર અને ખાણ ખનીજ વિભાગને રજુઆત કરી હતી કે, ટંકારાથી ઘુંનડા ગામને જોડતા માર્ગના કામમાં કોન્ટ્રાક્ટરે મોટાપાયે માટીનો ઉપયોગ કર્યો છે. તેમજ રોડ કોન્ટ્રાક્ટર સરસ્વતી કસ્ટ્રક્શન કોન્ટ્રાક્ટ કંપની દ્વારા રોડના કામમાં ભોળા પીરની દરગાહ પાસે માટી અને મોરમનું ગેરકાયદે ખનન કરીને રોડના કામમાં ઉપયોગમાં લેવામાં આવી હતી. આ કોન્ટ્રાક્ટરે મોટાપાયે ખનિજચોરી કરી હોય તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની રજુઆત કરી હતી અને કાર્યવાહી ન થાય તો કોર્ટમાં જવાની ચીમકી આપવામાં આવી હતી. જેના પગલે મોરબી ખાણ અને ખનીજ વિભાગ હરકતમાં આવ્યુ હતું અને ફરિયાદીને સાથે રાખીને રોડના કામની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન રોડના કોન્ટ્રાક્ટરે રોડના કામ માટે મોટાપાયે મોરમ અને માટીનો ઉપયોગ કરી ગેરકાયદે ખનિજચોરી કરી હોવાનો ભાંડો ફૂટ્યો હતો. આથી ખાણ ખનીજ વિભાવે આ બાબતનો ખુલાસો રજૂ કરવા આ જવાબદાર કોન્ટ્રાક્ટ કંપનીને નોટિસ ફટકારી હતી. પણ યોગ્ય જવાબ રજૂ ન કરતા રોડના કામમાં ખનિજચોરી કરવા બદલ આ જવાબદાર કોન્ટ્રાક્ટ કંપની સામે ખાણબ ખનીજ વિભાગે કાર્યવાહી કરી રૂ.34.27 લાખનો દંડ ફટકાર્યો છે.