મચ્છુ હોનારતની યાદ માં યોજાશે આવતી કાલે મૌન રેલી, દિવંગતોને અપાશે શ્રદ્ધાંજલિ
મોરબીની પ્રજા ક્યારેય ૧૧ ઓગસ્ટ, ૧૯૭૯ના ગોઝારા દિવસને નહિ ભૂલી શકે. જ્યારે મચ્છુ જળપ્રલય દુર્ઘટનાએ મોરબીને આંખના પલકારામાં સ્મશાન ભૂમિ બનાવીને ભારે વિનાશ વેર્યો હતો. હજારો લોકોને મચ્છુના પુરે મોતની આગોશમાં સમાવી લીધા હતા અને સેંકડો પશુઓ પુરમાં તણાયા હતા. સેંકડો મકાનો તથા ઇમારતો ધરાશયી થઇ હતી. ત્યારે કાલે એટલે કે તા.૧૧ને શુક્રવારના રોજ ગોઝારી મચ્છુ જળ હોનારત દિને મોરબી પાલિકા દ્વારા મૌનરેલી યોજવામાં આવશે. અને મણિમંદિર સ્થિત સ્મૃતિ સ્તંભ ખાતે મૃતાત્માઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર આગામી તા.૧૧/૦૮/૨૦૨૩ ના રોજ “મચ્છુ જળ હોનારત દિન” નિમિતે મોરબી નગરપાલિકા દ્વારા દિવંગતોને શ્રદ્ધાંજલિ આપતો કાર્યક્રમ યોજાશે. જેમાં બપોરે ૦૩:૧૫ કલાકે નગરપાલિકા કચેરીથી મૌનરેલી યોજાશે અને દિવંગતોના સ્મૃતી સ્તંભ મણી મંદિર ખાતે બપોરે ૦૩:૩૦ કલાકે પહોચશે. જ્યાં દિવંગતોને શ્રધ્ધાંજલી આપવામાં આવશે અને નગરપાલિકા દ્વારા તથા મહાનુભાવો દ્વારા પુષ્પાંજલી અર્પણ કરી બે મીનીટનું મૌન પાળવામાં આવશે.