રાહુલ ગાંધીને મોટો ઝટકો:રાહુલ ગાંધીનું સંસદનું સભ્યપદ રદ્દ; કોંગ્રેસ કાર્યાલય બહાર પોલીસ-કાર્યકરો વચ્ચે ઘર્ષણ
સુરત કોર્ટે બે વર્ષની જેલની સજા ફટકાર્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા ખતમ
રાહુલ ગાંધીના વિવાદાસ્પદ નિવેદન અને અદાણી મુદ્દે JPC તપાસની માગને લઈને સંસદનાં બંને ગૃહોમાં ભારે હોબાળો થયો હતો. લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ સ્થગિત કરવી પડી હતી. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પ્રશ્નકાળની કાર્યવાહી શરૂ કરતાં જ ગૃહમાં હોબાળો મચી ગયો હતો. આ પછી સ્પીકરે કહ્યું હતું કે ગૃહમાં કાર્યવાહી ચાલે એ માટેના મારા પ્રયાસ છે, પણ ભારે હોબાળાને કારણે તેમણે લોકસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.
આ તરફ રાજ્યસભામાં પણ હોબાળાને કારણે કાર્યવાહી બપોરે 2.30 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. શુક્રવારે સવારે વિપક્ષની પાર્ટીએ રાહુલ મામલે બેઠક કરી હતી. તેમની માગ છે કે અદાણી મામલે જેપીસી તપાસ કરાવવામાં આવે. આ તરફ કોંગ્રેસે રાષ્ટ્રપતિ પાસે મુલાકાત કરવા માટેનો સમય માગ્યો છે. કોંગ્રેસ શુક્રવારે વિજય ચોક સુધી પદયાત્રા કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાંજે 5 વાગ્યે ઉચ્ચ સ્તરીય બેઠક કરશે, જેમાં તમામ રાજ્યોના અધ્યક્ષ અને દિગ્ગજ નેતાઓ હાજર રહેશે.