ટંકારા નગરપાલિકામાંથી કલ્યાણપર ગામને બાકાત કરાતા વોર્ડ સીમાંકન અને બેઠકોની ફાળવણી રદ
ટંકારા નગરપાલિકા માટે તંત્ર દ્વારા વોર્ડ સીમાંકન અને બેઠકોની ફાળવણીનો મુસદ્દો જાહેર કરવામાં આવ્યો હતો. જો કે કલ્યાણપર ગામને તેમાંથી બાકાત કરવામાં આવતા તે મુસદ્દો રદ કરવામાં આવ્યો છે. હવે ફરી નવો મુસદ્દો જાહેર કરવામાં આવશે.
સરકાર દ્વારા ટંકારાને નગરપાલિકા જાહેર કર્યા બાદ તાજેતરમાં ટંકારા નગરપાલિકાના વોર્ડ સીમાંકન અને બેઠકોની ફાળવણીનો મુસદ્દો જાહેર કરવામાં આવ્યો હતો. ટંકારા નગરપાલિકામાં ટંકારા ગ્રામ પંચાયત, આર્યનગર ગ્રામ પંચાયત અને કલ્યાણપર ગ્રામ પંચાયતનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જો કે કલ્યાણ ગ્રામ પંચાયતે નગરપાલિકામાં સમાવેશ સામે વિરોધ નોંધાવ્યો હતો. જેને પગલે તંત્ર દ્વારા ટંકારા નગરપાલિકામાંથી કલ્યાણપર ગામને બાકાત રાખી દીધું છે.
તંત્ર દ્વારા જે વોર્ડ સીમાંકન અને બેઠક ફાળવણીનો મુસદ્દો તૈયાર કરી સાત દિવસમાં સૂચનો મંગાવવામાં આવ્યા હતા. તેમાં કલ્યાણપર ગામને પણ ગણી લેવામાં આવ્યું હતું. હવે આ મુસદ્દો રાજ્યના ચૂંટણી વિભાગ દ્વારા રદ કરી દેવામાં આવ્યો હોવાનું આજે જાહેર કરવામાં આવ્યું છે. જેથી હવે ટૂંક સમયમાં વોર્ડ સીમાંકન અને બેઠકોની ફાળવણીનો નવો મુસદ્દો જાહેર કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.