સૃષ્ટિના સર્જનહારે સ્ત્રીનું સર્જન જ કંઈક વિશેષ કર્યું છે. મહિલાના હાથમાં આવતી દરેક વસ્તુને કંચન બનાવવાની શક્તિ રહેલી છે, સ્ત્રી માં, દીકરી, બહેન, પત્ની દરેક સંબંધના સરવાળા સાંધીને ચાલે છે. આજે મહિલા રસોઈની રાણીથી માર્કેટિંગ ની મહારાણી બની ગઈ છે.
 

મોરબી ખાતે ચાલી રહેલા પ્રાદેશિક સરસ મેળામાં મહેસાણાથી આવેલા બહુચર સખી મંડળના કિરણબેન અભેસંગ ઠાકોર નાળિયેરના છોતરા અને મોતી વગેરેથી કંઈક બનાવી રહ્યા હતા. મેં કુતુહલવશ જોયું, થોડીવારમાં તો તેમણે નાળિયેરના છોતરા અને એ વસ્તુઓમાંથી ગણેશજીની સરસ મજાની મૂર્તિ બનાવી દીધી. મૂર્તિ જોઈને એવું જ લાગે કે સાક્ષાત ગણેશજી આવી ગયા હોય મૂર્તિ ખાલી બોલતી નહોતી એટલું જ. મહિલાઓના હાથમાં રહેલી કળાને એક પ્લેટફોર્મ મળે તો મહિલાઓ આભ પણ આવી શકે છે તેનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. 
કંઈક કરી છૂટવાની જગત હોય અને પૂરતો સાથ સહકાર મળે તો મહિલાઓ ઘર તો શું પણ મોટા મોટા બિઝનેસ પણ ચલાવી શકે છે. 
 

આ બાબતે કિરણબેન ઠાકોર જણાવે છે કે, "હું ઘણા સમયથી જય બહુચર સખી મંડળ સાથે જોડાયેલી છું. જિલ્લામાંથી અમને નાળિયેરના રેસામાંથી અવનવી વસ્તુઓ બનાવવાની તાલીમ દેવામાં આવી હતી. અમે ૧૦ બહેનોનું જૂથ બનાવ્યું છે અને આ પ્રકારના મેળાઓમાં જઈએ છીએ જ્યાં વેચાણ સાથે રહેવા જમવાની સગવડ પણ સારી મળી રહે છે. આ પ્રકારના સ્ટોલમાં વેચાણ પર સારું થાય છે, અમે બધી બહેનો આમાં સહભાગી થઈએ છીએ".
 

કિરણબેનના ઘરની આર્થિક  પરિસ્થિતિ નબળી હોવાથી તેમણે  કંઈક નાનું મોટું કામ કરીને ઘરમાં આર્થિક રીતે મદદરૂપ થવાનો નિર્ણય લીધો. છેલ્લા ૧૦-૧૨ વર્ષથી તેઓ જય બહુચર સખી મંડળ સાથે જોડાયેલા છે. જે હેઠળ તેમને નાળિયેરના રેસામાંથી અવનવી વસ્તુઓ બનાવવાની તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ બાદ કિરણબેન અને તેમના સખી મંડળની બહેનો નળીના રેસામાંથી ગણપતિ, તોરણ, ચાકડા, વોલપીસ, જુમર, લાભ-શુભ, મટકી, કળશ, ટોડલીયા તેમજ મોતીમાંથી પણ તોરણ, ટોડલિયા વગેરે વસ્તુઓ બનાવે છે. ઉપરાંત કિરણબેન સિઝનમાં અથાણા, ખાખરા, પાપડ વગેરે વસ્તુઓ પણ બનાવે છે. નાળિયેરના રેસામાંથી બનતી આ વસ્તુઓ માટે કિરણબેનને પુરા ગુજરાતમાંથી વિવિધ ઓર્ડર મળતા રહે છે.
 

સરકાર દ્વારા સખી મંડળોની બહેનોને પગભર બનાવવા માટે વિવિધ લોન તેમજ સહકાર આપવામાં આવે છે. ઉપરાંત આ બહેનો હસ્તકળા થકી વિવિધ વસ્તુઓ બનાવી પોતાનું ગુજરાન ચલાવી શકે તે માટે વિવિધ પ્રકારની વ્યવસાયિક તાલીમ પણ આપવામાં આવે છે. આ તાલીમ થકી કિરણબેન જેવી અનેક મહિલાઓ ભરત ગુંથણ, વાંસની વસ્તુઓ દોરાની વસ્તુઓ, કાપડ તેમજ ગોદડી,સાદડી, વોલપીસ, શોપીસ, ફૂલદાની વગેરે વસ્તુઓ બનાવી આગળ વધી રહી છે.

બળવંતસિંહ જાડેજા

You Might Also Like