કામ કરશે મોરબી કમિશનર અને જસ લેશે મોરબીના રાજકારણીઓ...
રાજ્ય સરકાર દ્વારા મોરબીને મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી છે ત્યારે મોરબીમાં સ્વપ્નિલ ખરે મોરબી મ્યુનિસિપલ કમિશનર તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે હવે મોરબીના વિકાસ માટે મ્યુનિસિપલ કમિશનર કામે લાગ્યા છે અને પોતે જાતે મોરબીના રાજમાર્ગો પર ફરીને સ્વચ્છતા તથા અન્ય કામોનું નિરીક્ષણ કરી રહ્યા છે. મોરબીમાં નિમણૂક કરેલા યંગ કમિશનરને જોતાં જ લાગે છે કે હવે મોરબીમાં વિકાસના કામો થશે પરંતુ મોરબીના રાજકીય લોકોને પણ કહેવાનું કે આપ જો થઈ શકે તો આ કમિશનર સાહેબની સાથે રહીને મોરબીનો વિકાસ કરવામાં તેમને મદદ કરજો અને જો મદદ ન કરી શકો તો નડવાનું કામ ન કરતા કારણ કે મોરબીવાસીઓએ ઘણું બધું જોયું છે કે કોઈ સારું કામ થવા જતું હોય તો તેમાં આડખીલી રૂપે રાજકારણ આવીને ઊભું રહેતું હોય છે. તો જ્યારે રાજ્ય સરકારે મોરબી મહાનગરપાલિકાની જાહેરાત કરી છે અને મોરબીના વિકાસ માટે કમર કશી છે ત્યારે મોરબીનો વિકાસ થવા દેજો તેમાં દખલઅંદાજી ન કરતા અને કામનો જસ ખાવાની પણ કોશિશ ન કરતા. કારણ કે મોરબી તો વર્ષોથી છે આજ દિવસ સુધી તમે એક પણ પ્રકારે મોરબીના વિકાસ માટેનું કાર્ય કર્યું નથી. મોરબીમાં નથી ગાર્ડન નથી... નથી સારા રોડ રસ્તા... નથી લાઈટ... નથી પાણીની વ્યવસ્થા... તો હવે મહાનગરપાલિકા થતાની સાથે જ જો વિકાસના કાર્ય થાય તો તમે કર્યા છે તેવું તો સાબિત કરવાની કોશિશ કદાપી ન કરતા... નવા નિમણૂક પામેલા કમિશનરે સરદારબાગની વિઝીટ લેતાની સાથે જ સરદારબાગના વિકાસ માટે આદેશો કર્યા છે ત્યારે સરદારબાગના વિકાસના ઉદ્ઘાટનમાં આપ સૌ મોખરે હશો. તમે બધા ઉદ્ઘાટન કરો તેનો વાંધો નહીં પરંતુ મોરબીનો હવે વિકાસ થવા જઈ રહ્યો છે ત્યારે આપ સૌ પણ કમિશનર સાહેબની સાથે રહીને મોરબીના વિકાસમાં એક પોતાની આગવી ભૂમિકા ભજવો તેવી જ અભ્યર્થના... આ સમગ્ર મોરબી નો અવાજ છે…