મૂળ માળિયા તાલુકાના મેઘપર ગામના વતની અને હાલ જુનાગઢ P.T.Cમાં SRP જવાન તરીકે ફરજ બજાવતા બ્રિજેશ ગોવિંદભાઈ લાવડીયાએ આપઘાત કરી લીધો હોય જે આપઘાતના બનાવમાં પરિવાર દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. મૃતકને ઢોર માર મારવામાં આવ્યો હોય અને મરવા માટે મજબુર કરવામાં આવ્યા હોવાના આક્ષેપો પરિવારના સભ્યો કરી રહ્યા છે. બનાવ પૂર્વે મૃતકે પોતાના પુત્ર સાથે વાત પણ કરી હતી, જેમાં તેઓને ફસાવવામાં આવતાં હોવાનું જણાવ્યું હોય તેમ મૃતકના પુત્ર જણાવી રહ્યા છે.

SRP જવાનના આત્મહત્યાના બનાવમાં મામલો શું છે?

મૃતકના ભાઈ રામભાઈ લાવડીયાએ જણાવ્યું હતું કે, જુનાગઢ ટ્રેનીંગ સેન્ટરમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હતા અને સાપર ગામે હતા ત્યારે છેલ્લો ફોન આવ્યો હતો. જે લોકેશનને આધારે સ્થળ પર તપાસ કરતા મૃતદેહ મળી આવ્યો હતો. જેથી ફોરેન્સિક પીએમ કરાવ્યું હતું. મૃતકના શરીર પર ગંભીર ઈજાના નિશાન જોવા મળ્યા હતા, જેના પરથી તેમને ઢોર માર માર્યો હોય તેવું જણાઈ આવ્યું છે. 25થી 30 ધોકા મારવામાં આવ્યા હોય તેવા નિશાન મળી આવ્યા છે. DY.SP કાપડિયા, PSI ખાચર તેમજ અન્ય 5-6 લોકોએ માર માર્યો હોવાના ગંભીર આક્ષેપો તેમને કર્યા છે.

મૃતકના પુત્ર સાથે છેલ્લે ફોન પર વાતચીત થઈ.

જ્યારે મૃતકના પુત્ર રીતેશે જણાવ્યું હતું કે, તેના પપ્પાનો ગત તા. 20ના રોજ ફોન આવ્યો હતો. જેમાં પિતાએ તેનો કોઈ વાંક નથી તેને ફસાવવામાં આવ્યા છે તેમ જણાવ્યું હતું. DY.SP કાપડિયા, PSI ખાચર અને અન્ય 2 મહિલાઓએ માર માર્યો છે. તેમજ પોતાની કાઈ ભૂલ થઇ હોય તો માફ કરજે છેલ્લા રામ રામ કહીને પિતાએ ફોન કાપી નાખ્યો હતો, તેમ પુત્રએ જણાવ્યું હતું. જેથી ફોન કાપ્યા બાદ તુરંત રીતેશે તેના કાકાને બોલાવી સ્થળ પર પહોંચતા મૃતદેહ મળ્યો હતો. મૃતદેહનો પીએમ કરાવ્યું હોય જેમાં માર માર્યાનું સ્પષ્ટ થયું છે તેમ જણાવ્યું હતું. તો તેના પિતાને છોકરીએ ફસાવ્યા અને તેમનો કોઈ વાંક ના હોવાની માહિતી આપી હતી.

મૃતકના પરિવારજનોની શું છે માંગ?

મૃતકના ભાભી ધનુબેને જણાવ્યું હતું કે, ગોંડલ બાદ છેલ્લા 1 વર્ષથી તેમની જુનાગઢ બદલી કરાઈ હતી અને તેઓએ આત્મહત્યા કરી છે જેના માટે તેને મજબુર કરવામાં આવ્યા છે. જેથી તટસ્થ તપાસ કરી પરિવારને ન્યાય આપવા માગ કરવામાં આવી છે. આ ઘટનાને લઈ સમગ્ર આહિર સમાજમાં રોષની લાગણી હાલ જોવા મળી છે. આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે અને આરોપીને ઝડપી તેમની વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરી દોષીતોને સજા આપવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે.

You Might Also Like