સાસણ સફારી માટે આફ્રિકાનાં જંગલોમાં ચાલતી કાર જેવી આવશે કાર, ભાડામાં થશે વધારો
સાસણ ખાતે વર્ષોથી જંગલની સફારી માટે જીપ્સી ગાડી ઉપયોગમાં લેવામાં આવી રહી છે, પરંતુ જીપ્સી ગાડીનું નવું પ્રોડક્શન બંધ થઈ જતા અને હવે 15 વર્ષથી જૂના કોમર્સિયલ વાહનો અંગેનો નવો બંધનકર્તા નિયમ અમલી બનતાં જંગલના રસ્તાઓ પર રફ્તારફ્તા નવી ગાડીઓ આવવાની છે. જંગલ સફારી માટે ખાસ મોડીફાઇડ કાર તૈયાર કરવામાં આવી છે અને તેની સંપૂર્ણ ડીઝાઇન પણ તૈયાર થઈ ગઈ છે. આ કારને વન વિભાગ દ્વારા જંગલમાં ચલાવવા માટેની મંજૂરી પણ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
- કેટલી કારણો ઓર્ડર અપાયો?
એ કારની કંપની પ્રાઈઝ 15 લાખ રૂપિયાની આસપાસ છે પરંતુ સાસણના જંગલને અનુરૂપ તેને મોડીફાઇડ કરવાથી કિંમત 18 લાખ રૂપિયા જેવી થવા જાય છે. ખુદ વનવિભાગ દ્વારા સાસણ ખાતે બે કારનું બુકિંગ પણ કરાવી દેવામાં આવ્યું છે અને હવે ગણતરીના દિવસોમાં નવી મોડીફાઇડ કાર સાસણના વન તંત્ર પાસે આવી જશે. તેવી જ રીતે સાસણના જીપ્સી એસોસિએશન દ્વારા પણ કુલ છ મોડીફાઇડ કાર તૈયાર કરવા કંપનીને ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. પરંતુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે છમાંથી પાંચ કાર લેવાનું જીપ્સી એસોસિએશન દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.
- એક કારમાં કેટલા લોકો કરી શકશે પ્રવાસ?
જીપ્સીનું સીટીંગ મુજબ એક ડ્રાઇવર, એક ગાઈડ અને છ પ્રવાસીઓનો સમાવેશ થઈ શકે તેવી બેઠક વ્યવસ્થા છે, જ્યારે હવે જે નવી કાર આવવાની છે તેના સીટિંગ મુજબ સાત અને બદલે નવ પ્રવાસીનો સમાવેશ થઈ શકે તેવી વ્યવસ્થા છે. આ કાર બીએસ૬ ડીઝલ વર્ઝન છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને આફ્રિકાના જંગલોમાં આ કાર જંગલ સફારીમાં ચાલી રહી છે. હવે આવી કેટલીક કાર સાસણના જંગલ સફારી રૂટ પર ટુંક સમયમાં જોવા મળશે. હાલમાં કોઈ ખાનગી વ્યક્તિ દ્વારા નહીં પરંતુ જીપ્સી એસોસિએશન દ્વારા જ 5 કાર સંયુક્ત રીતે ખરીદી કરવામાં આવી છે તેના માટે જીપ્સી એસોસિયેશનના તમામ સભ્યોએ નાણાં આપી કાર ખરીદ કરવાનું નક્કી કર્યું છે.
- અંદાજે ભાડું કેટલું હશે નવી કારનું?
જંગલની અંદર સિંહ જોવા માટે જીપ્સીનો ઉપયોગ કરવામાં આવે છે. જીપ્સીનું અંદાજિત 2000 રૂપિયા જેટલું ભાડું વસૂલવામાં આવે છે. હવે નવ સીટીંગની નવી મોડીફાઇડ કારનું ભાડું રૂા. 2500 આસપાસ કરવામાં આવે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે. જીપ્સી પેટ્રોલ કાર હોવાના કારણે જંગલના વાતાવરણમાં પ્રદૂષણ ન થાય તેને ધ્યાને રાખવામાં આવ્યું હતું. હવે બીએસ૬ કાર પણ પ્રદૂષણ મુકત હોવાથી જંગલનાં સફારી રૂટ પર જીપ્સીનાં બદલામાં આ કાર દોડશે.