મોરબી ના શનાળા નજીક થાર ગાડી પલટી મારતા સુત્રાપાડાના યુવાનનું મોત
મોરબીના સનાળા નજીક થાર ગાડી પલટી મારી જતાં સુત્રાપાડાના અમરાપુર ગામના યુવાનનું મોત: બે ને ઇજા
મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર સનાળા ગામની બાજુમાં આવેલ સીએનજીના પંપ પાસેથી થાર ગાડી પસાર થઈ રહી હતી ત્યારે કોઈ કારણોસર ગાડીને ચાલકે વાહનના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા ગાડી પલટી મારી ગઈ હતી અને ત્યારે ગાડીમાં બેઠેલા ડ્રાઇવર સહિતના ત્રણ વ્યક્તિઓને ઇજા થઈ હતી જેમાં ડ્રાઇવિંગ કરી રહેલા યુવાનને કપાળ અને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજ્યું હતું આ બનાવમાં ઇજાગ્રસ્ત યુવાનની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી કરી છે
જાણવા મળતી વિગત પ્રમાણે ગીર સોમનાથ જિલ્લાના
સુત્રાપાડા તાલુકાના અમરાપુર ગામના રહેવાસી જીગ્નેશભાઈ મૂળુભાઈ જાખોત્રા જાતે સોરઠીયા આહીર (24)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મૃતક રોહિતભાઈ જેતશીભાઈ રામ જાતે સોરઠીયા આહિર (28) રહે. ક્રિષ્ના વાડી પાછળ અમરાપુર તાલુકો સુત્રાપાડા વાળાની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર શનાળા ગામની બાજુમાં આવેલ સીએનજીના પંપ પાસેથી રોહિતભાઈ રામની થાર ગાડી નંબર જીજે 3 એપી 3777 માં ફરિયાદી તેમજ સાગરભાઇ અને રોહિતભાઈ પસાર થઈ રહ્યા હતા દરમિયાન રોહિતભાઈએ કોઈ કારણોસર ગાડીના સ્ટેરીંગના ઉપરથી કાબુ ગુમાવી દેતા ગાડી પલટી મારી ગઈ હતી જેથી કરીને ફરિયાદી યુવાનને ઘૂંટણના ભાગે ઈજા થઈ હતી તેમજ સાગરભાઇને ડાબા પગના ઘૂંટણમાં અને ડાબા હાથે અને પેડુના ભાગે ઈજા થયેલ હતી જોકે રોહિતભાઈ રામને કપાળમાં જમણી બાજુએ તથા માથાને પાછળની ભાગે ઇજા થઈ હોવાના કારણે તેનું મોત નીપજ્યું હતું. જેથી અકસ્માતના આ બનાવમાં ઈજા પામેલ યુવાનની ફરિયાદ લઈને પોલીસે મૃતક સામે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.