રાજકોટમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મોટી કાર્યવાહી, હજારો લીટર ભેળસેળયુક્ત ડીઝલના જથ્થા સાથે કરી 11ની અટકાયત
રાજકોટમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા બે અલગ-અલગ ઠેકાણે દરોડા પાડીને દારૂનો જંગી જથ્થો ઝડપ્યા બાદ ત્રીજી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં શહેરની ભાગોળે આવેલા નવાગામ ખાતેથી મોટી માત્રામાં ભેળસેળીયા ડીઝલના ધમધમતા ધંધા પર દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં 12 હજાર લીટર ભેળસેળયુક્ત ડીઝલ મળી આવ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, SMCની ટીમ દ્વારા બુધવાર સાંજે 6 વાગ્યાની આસપાસ રાજકોટ પોલીસને અંધારામાં રાખીને શહેરની ભાગોળે આવેલા નવાગામમાં મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે 12 હજાર લીટર ભેળસેળયુક્ત ડીઝલ ઝડપી પાડ્યું છે.

આ જથ્થા સાથે મેનેજર સહિત 11 શખ્સોની અટકાયત કરવા સાથે 4 ટ્રકો જપ્ત કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં છેલ્લા કેટલાક દિવસથી આ રીતે ભેળસેળયુક્ત ડીઝલનો કારોબાર ચાલી રહ્યો હતો. હાલ તો SMC દ્વારા આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.