રાજ્યમાં હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં જુનાગઢ જિલ્લામાં મેઘરાજાએ સટાસટી બોલાવતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જુનાગઢ શહેર તેમજ તાલુકામાં પડેલા ભારે વરસાદને પગલે નદી-નાળાઓમાં પૂર આવ્યા છે. આ સિવાય જુનાગઢનો વિલીંગ્ડન ડેમ પણ છલકાઈ ગયો છે. ગિરનાર તળેટીમાં તેમજ દાતાર પર પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે ગિરનાર પર્વત પરથી ઝરણા વહેતા થયા હતા. આ સાથે જ સોનરખ નદી પણ વહેતી થઈ હતી.

જુનાગઢ શહેર અને તાલુકામાં ભારે વરસાદ

જુનાગઢના માંગરોળમાં સવારના 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં પોણા બાર ઇંચ વરસાદ ખાબકતાં અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. માંગરોળ સિવાય કેશોદમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો છે, જેના પગલે નદી-નાળાઓમાં ઘોડાપૂર આવ્યા છે. 

Heavy rains lash south Gujarat causing flash floods; 5 drown | DeshGujarat

કેશોદમાં સિલોદર ગામના પુલનો એક બાજુનો ભાગ તૂટ્યો હતો. તેમજ પુલ પર બે વિદ્યાર્થીઓ ફસાયા હતા. જેને મહામહેનતથી બચાવી લેવાયા હતા. કેશોદના ગ્રામ્ય પંથકની વાત કરીએ તો રેવદ્રા ગામમાં અનરાધાર વરસાદથી વાહનો તેમજ ઘરવખરી, અનાજ તેમજ માલઢોર પાણીમાં ગરકાવ થયા હતા.

NDRFની 6 ટીમ તૈનાત કરવામાં આવી

રાજ્યમાં ભારે વરસાદને પગલે તેમજ આગામી સમયમાં પણ વરસાદની આગાહી હોય તેને ધ્યાનમાં રાખી NDRFની 6 ટીમ તૈનાત કરવામાં આવી છે. જેમાં ગીર સોમનાથ, કચ્છમાં 1-1 ટીમ, નવસારી, વલસાડમાં 1-1 ટીમ, અમરેલી અને રાજકોટમાં 1-1 ટીમ તૈનાત કરવામાં આવી છે. ગઈકાલે ગીર સોમનાથમાં આભ ફાટ્યું હતું અને 21 ઈંચ કરતા પણ વધુ વરસાદ નોંધાયો હતો. ગીર સોમનાથમાં અત્યારસુધીમાં 160 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

રાજ્યના 33 જળાશયો સંપૂર્ણ છલકાયાં

ગુજરાતના 33 જળાશયો 100 ટકા એટલે કે સંપૂર્ણ છલકાયાં છે. જ્યારે 49 જળાશયોમાં 70 ટકાથી વધુ તેમજ 80 જળાશયોમાં 25થી 70 ટકા સુધી પાણીનો સંગ્રહ થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં કુલ સંગ્રહ શક્તિના 64.40 ટકા જેટલા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે, તેમ સ્ટેટ ફ્લડ કન્ટ્રોલ સેલ-ગાંધીનગરના અહેવાલમાં જણાવાયું છે. 

Heavy rains lash Saurashtra, south Gujarat, bring relief | MorungExpress |  morungexpress.com

રાજ્યમાં 100 ટકા એટલે કે સંપૂર્ણ છલકાયા હોય તેવા જળાશયોમાં અમરેલી જિલ્લાના ધાતરવાડી, મુંજિયાસર, વાડિયા, સંક્રોલી, સુરજવાડી, દાહોદ જિલ્લાના ઉમરીયા, ગીર સોમનાથના મચ્છુન્દ્રિ, જામનગરના વઘાડીયા, સપાડા, પૂના, ફૂલઝર-1 અને રૂપારેલ, જુનાગઢના ઝાનજેશ્રી, ઉબેન, હસનપુર, હિરણ-1, મોટા ગુજેરીયા, મધુવંતી, રાજકોટના વેરિ, લાલપરી, મોજ અને સોદવદર, સુરેન્દ્રનગરના મોર્શલ, વન્સલ તેમજ તાપી જિલ્લાના ડોસવાડા સહિતના જળાશયોનો સમાવેશ થાય છે.

ભારે વરસાદના કારણે STની અંદાજે 264 ટ્રીપ રદ
રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેમા ખાસ કરીને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસતા અનેક નેશનલ, સ્ટેટ હાઈવે ક્ષતિગ્રસ્ત થયા છે. આ સિવાય અન્ય માર્ગો પર પાણી વળ્યા છે તેમજ આગામી સમયમાં હજુ પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારે મુસાફરો મુશ્કેલીમાં ન મુકાય તે માટે ST વિભાગ દ્વારા અંદાજે 264 જેટલી ટ્રીપ રદ્દ કરી નાખી છે.

You Might Also Like