ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને સાબરમતી જેલના હાઈ સિક્યોરિટી વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો છે
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને ગુજરાતની સાબરમતી જેલના હાઈ સિક્યોરિટી વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. 195 કરોડ રૂપિયાના ડ્રગ્સ સ્મગલિંગ કેસમાં તેની સંડોવણીના સંદર્ભમાં આ પગલું લેવામાં આવ્યું છે. તે પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા કેસમાં પણ આરોપી છે.
બિશ્નોઈ અગાઉ દિલ્હીની તિહાર જેલમાં બંધ હતો પરંતુ બાદમાં તેને આ વર્ષે એપ્રિલમાં ગુજરાત એટીએસને સોંપવામાં આવ્યો હતો. આ પગલું પાકિસ્તાન સાથે સંબંધિત ડ્રગ સ્મગલિંગના મામલામાં લેવામાં આવ્યું છે. ગયા વર્ષે 14 સપ્ટેમ્બરના રોજ, એટીએસએ ભારતીય કોસ્ટ ગાર્ડ સાથે મળીને કચ્છ જિલ્લાના જખૌ બંદર નજીક અલ તૈસા નામની પાકિસ્તાની ફિશિંગ બોટને અટકાવી હતી.

જેમાંથી આશરે 195 કરોડ રૂપિયાની કિંમતનું 40 કિલો હેરોઈન મળી આવ્યું હતું. બોટમાંથી છ પાકિસ્તાની નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં પાકિસ્તાનથી ભારતમાં ડ્રગ્સની દાણચોરી સાથે સંકળાયેલા એક વિશાળ રેકેટનો પર્દાફાશ થયો હતો. તેના વાયરો લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા હતા. ઝડપાયેલ ડ્રગનું કન્સાઈનમેન્ટ દિલ્હી અને પંજાબ મોકલવાનું હતું.