• સ્વચ્છતાને ધ્યાને લઈને લેવાયો નિર્ણય
  • પાવાગઢ ખાતે શ્રીફળ વધેરવાનું મશીન મુકાયું
  • યાત્રાળુઓને તકલીફ ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા મશીન મુકાયું

પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરે આજથી કોઈપણ વ્યક્તિ છોલેલું શ્રીફળ મંદિરમાં  લાવી શકશે નહીં. છોલ્યા વિનાનું આખું નાળિયેર માતાજીને ધરાવી ઘરે લઈ જવાનું ફરમાન કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢ દ્વારા કરાયું છે. યાત્રાધામ પાવાગઢ મંદિરમાં આજથી છોલેલા શ્રીફળ પર પ્રતિબંધ લગાવ્યો છે. મંદિરની આસપાસ સ્વચ્છતા રાખવા નિર્ણય લેવાયો છે. મહત્વનું છે કે, અત્યારે પુરતી માચી ખાતે શ્રીફળ વધેરવાના મશીન મુકાયા છે. આ પહેલા દુધિયા તળાવ પાસે શ્રીફળ વધેરવાની જગ્યા હતી. 

મંદિર ટ્રસ્ટ પાવાગઢ દ્વારા શ્રીફળ વધેરવાનું મશીનનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, મંદિર ટ્રસ્ટ દ્વારા છોલેલું શ્રીફળ મંદિરમાં લઈ જવા પર પ્રતિબંધ મુક્યો છે. જેથી હવે આજથી મંદિરમાં નવા નિયમની અમલવારી કરવામાં આવશે. નોંધનીય છે કે, યાત્રાળુઓને તકલીફ ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા મશીન મુકાયું છે. આજથી ભક્તો આ મશીનનો ઉપયોગ કરી શકશે.

આજ તારીખ - 20 માર્ચના રોજ મંદિર ટ્રસ્ટ દ્વારા અગત્યની સૂચના આપવામાં આવે છે કે 

(1) તારીખ 20 માર્ચને સોમવારથી કોઈપણ  વ્યક્તિ છોલેલું શ્રીફળ મંદિરમાં  લાવી શકાશે નહીં. 

(2) મંદિરમાં શ્રીફળ પોતે જ માતાજીને ધરાવી ચૂંદણી સાથે ઘરે લઈ જવાનું રહેશે.

(3) ઘરે લઈ ગયા પછી આ શ્રીફળ ચુંદડીમાં બાંધી આપ મંદિરમાં પૂજામાં મૂકી રાખો તેવો આગ્રહ છે. અથવા ઘરે જઈને પાણીયારે મૂકી પછી તેનો પ્રસાદ કરી આપ સૌને વહેંચી શકો છો. 

(4) જે વેપારીઓ પાસેથી છોલેલું શ્રીફળ મળશે તેઓની સામે પવિત્ર સ્થાનમાં સ્વચ્છતા રાખવામાં સહકાર નહીં આપવા તથા ગંદકી કરવા બદલ સરકારના સંબંધિત અધિકારી દ્વારા નિયમોનુસાર દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

(5) મંદિર ટ્રસ્ટના સિક્યુરિટી ગાર્ડ શક્તિ દ્વારથી એટલે કે દુધિયા તળાવથી ચેક કરશે અને છોલેલું શ્રીફળ ઉપર લાવવા દેશે નહીં. જેની નોંધ સર્વ વેપારી અને માઈ ભક્તોને લેવા વિનંતી.

(6)સિક્યુરિટી સાથે તકરાર કરનાર સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે.

 

You Might Also Like