આગામી 5 દિવસ ગુજરાત રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી, આ બે જિલ્લામાં અપાયું ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આજથી આગામી 5 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ રાજ્યમાં 23 જુલાઈ સુધી વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે એટલે કે 18 જુલાઈએ સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહિસાગર નવસારી, વલસાડ અને દીવ-દમણમાં ભારે વરસાદની સંભાવના છે. આજે નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.
આઈએમડી મુજબ 19 જુલાઈએ નવસારી, વલસાડ સહિતના દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. 21 જુલાઈ સુધીમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.

20 જુલાઈના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ દમણ અને દાદરા નગર હવેલી સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
ભારે વરસાદની આગાહીના પગલે માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અમદાવામાં પણ આગામી 7 દિવસ ભારે વરસાદની સંભાવના છે.
નોંધનીય છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 52.34 વરસાદ વરસી ચૂક્યો છે. રાજ્યમાં હાલમાં સરેરાશ કરતા 84 ટકા વધુ વરસાદ થયો છે. ઝોન પ્રમાણે વાત કરીએ તો કચ્છમાં 112.90 ટકા, ઉત્તર ગુજરાતમાં 51.02 ટકા, મધ્ય ગુજરાતમાં 41.18 ટકા, દક્ષિણ ગુજરાતમાં 43.25 ટકા, સૌરાષ્ટ્રમાં 69.23 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
રાજ્યમાં 52 ટકા જળસંગ્રહ થયુ છે. જેમાં 32 જળાશયો સંપૂર્ણ ભરાઈ ગયા છે. 43 જળાશયોમાં 90 ટકાથી વધુ જળ સંગ્રહ થયુ છે. સરદાર સરોવરમાં હાલમાં 64 ટકા જળસંગ્રહ છે.