દારૂ પછી મોરબી પંથકમાં વધતું ડ્રગ્સનું દુષણ, લાખોના હેરોઈન સાથે બે રાજસ્થાની ઝડપાયા
મોરબી પંથકમાં દારૂ અને જુગારના દુષણ બાદ હવે ડ્રગ્સનું દુષણ વધી રહ્યું છે છાશવારે ગાંજો, મેફેડ્રોનડ્રગ્સની હેરાફેરી ઝડપી લેવામાં આવે છે. ત્યારે મોરબી એસઓજી ટીમે મોરબી-માળિયા નેશનલ હાઇવે પર માળિયા ફાટક પાસેથી બે રાજસ્થાની ઇસમોને 7.48 લાખના હેરોઈનના જથ્થા સાથે ઝડપી લઈને હેરોઈન, મોબાઈલ અને રોકડ સહીત 7.63 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.જ્યારે પૂછપરછમાં રાજસ્થાનના ડ્રગ્સ પેડલરનું નામ ખુલ્યું છે.
ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ કરીને ડ્રગ્સના જથ્થા ઘુસાડવાની પેરવી કરવામાં આવી રહી છે. જેને પગલે ડ્રગ્સના જથ્થા ગુજરાતના અનેક શહેરોમાંથી છાશવારે ઝડપાતા રહે છે. જેમાં મોરબી એસઓજી ટીમે હાઈવે પરથી બે ઇસમોને હેરોઈનના જથ્થા સાથે ઝડપી લીધા હતા મોરબી એસઓજી ટીમે માળિયા ફાટકથી આગળ નેશનલ હાઈવે સવસ રોડ પર પીકઅપ બસ સ્ટેશન પાસે બે ઈસમો ઉભા હોય જેની પાસે માદક પદાર્થનો જથ્થો હોવાની બાતમી મળતા તુરંત સ્થળ પર રેડ કરી હતી.

જ્યાં સ્થળ પરથી આરોપી કૈલાશ ગોરખારામ નાઈ (ઉ.વ. 23) (રહે પનલ કી બેરી તા. ધોરીમના બાડમેર રાજસ્થાન) અને રમેશકુમાર મોહનરામ સીયાગ (ઉ.વ. 22) રહે હાલ રામજી કી ગોલ મૂળ (રહે સગરાણીઓ કી બેરી તા. ગુડામાલાની બાડમેર રાજસ્થાન) ને ઝડપી લીધા હતા આરોપી પાસેથી નાર્કોટીક્સ માદક પદાર્થ હેરોઈન જથ્થો 149.60 ગ્રામ કીમત રૂ 7,48,000 તેમજ 3 મોબાઈલ અને રોકડ રૂ 4600 મળીને કુલ રૂ 7,63,100 ની કિમતનો મુદામાલ કબજે લીધો છે.
જે હેરોઈનનો જથ્થો આરોપી દિનેશ બિશ્નોઈ (રહે. કારોલા રોડ સાંચોર રાજસ્થાન) પાસેથી લીધાની કબુલાત આપી હતી. જેથી આરોપી દિનેશ બિશ્નોઈને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. તો બંને ઝડપાયેલ આરોપી વિરૂદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધી આરોપીના રિમાન્ડ મેળવવા પોલીસે તજવીજ હાથ ધરી છે.