ટંકારા તાલુકાના ભાજપ સંગઠન ના પ્રમુખ માટે ચર્ચા શરૂ
ટંકારા તાલુકા ભાજપ પ્રમુખની વરણીને લઈને હાલ પંથકના અડધા ડઝનથી વધુ સ્થાનિક નેતાઓના નામ ચર્ચાઈ રહ્યા છે. બીજી તરફ ભાજપે આકરા નિયમો મુકતા અમુક નેતાઓની પ્રમુખ પદની હરોળમાંથી બાદબાકી થઈ ગઈ છે.
હાલ ટંકારા નગરપાલિકાની ચૂંટણી માટેની તૈયારીઓ ચાલી રહી છે. તેવામાં ટંકારા તાલુકા ભાજપ પ્રમુખની વરણી કરી દેવાનો તખ્તો ઘડાઈ ગયો છે. જો કે આ વખતે પ્રદેશ ભાજપે આઠ નિયમો મુક્યાં છે. જેથી અગાઉ લોબિંગ કરતા અમુક નેતાઓ જેવા કે કલ્યાણપર માજી સરપંચ દિનેશ વાધડીયા અને વિરપરના વર્તમાન સરપંચ નામાંકિત ચહેરા મહેશ લિખિયા સહિતના માટે હવે પ્રમુખ પદ સુધીનું અંતર વધી ગયું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
તો બીજી તરફ હાલ તાલુકા ભાજપ પ્રમુખ માટે જબલપુરના મયુર ફેફર, નેસડા ના નિલેશ કાસુન્દ્રા, હડાળાના હાલ ટંકારાના ભાવેશ કાનાણી, લજાઈના ગૌતમ વામજા, ટોળના ધેલા ફાંગલીયા,સહિતના આગામી દિવસોમાં પ્રમુખ પદ માટે દાવેદારી કરવાના હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે ટંકારા શહેર ભાજપ પ્રમુખની પસંદગી નગરપાલિકાની ચૂંટણી પતે પછી કરવામાં આવે તેવી શકયતા સેવાઈ રહી છે.