જૂનાગઢના માંગરોળ પર બારેમેઘ ખાંગા, છ કલાકમાં પડ્યો અનરાધાર સાડા અગિયાર ઈંચ વરસાદ
જૂનાગઢ જિલ્લામાં બારેમેઘ ખાંગા થયા છે. આજે બપોરે 12 વાગ્યા સુધીના આંકડા સામે આવ્યા છે. જૂનાગઢ જિલ્લામાં આભ ફાટ્યુ હતું. માંગરોળમાં છ કલાકમાં સાડા અગિયાર ઈંચ વરસાદ તો માળીયા હાટીનામાં છ કલાકમાં સાડા છ ઈંચ વરસાદ વરસ્યો હતો.
માંગરોળનું ઝરીયાવાડા ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ઝરીયાવાડા ગામના લોકોને ઘર છોડીને બીજા ગામે આશરો લેવાનો વારો આવ્યો હતો. માંગરોળ પંથકમાં ભારે વરસાદને પગલે અનેક ગામો જળબંબાકાર સ્થિતિ સર્જાઈ હતી. જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો હતો. માળીયા હાટીના, મેંદરડા, માંગરોળમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જૂનાગઢના સોંદરડા ગામ પાસે ખેતરો બેટમાં ફેરવાયા હતા.

માળીયા હાટીનાનું જામવાડી બેટમાં ફેરવાયું હતું. જામવાડીના દલિતવાસના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. જામવાડીની ગૌશાળામાં પણ વરસાદી પાણી ભરાયા હતા. વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યા હતા.
ભારે વરસાદે ગીર સોમનાથના સોનારીયામાં તબાહી મચાવી હતી. સોનારીયાની આસપાસના ગામડાઓ બેટમાં ફેરવાયા હતા. હિરણ-2 ડેમના પાણીથી સોનારીયા બેટમાં ફેરવાયુ હતું. સોનારીયા સહિતના ગામના ખેતરોમાં કેડસમા પાણી ભરાયા હતા. હિરણ-2 ડેમના પાણીથી અનેક પશુઓના મોત થયા હતા.
ભારે વરસાદથી જૂનાગઢના મેઘલ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. ગડુ-ખોરાસા ગીર વચ્ચે પસાર થતી મેઘલ નદીમાં ભારે પૂર આવ્યું હતું. મેઘલ નદીમાં ભારે પુરને લઈને અનેક ગામોને એલર્ટ કરાયા હતા.

ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જિલ્લાના તાલાલા, વેરાવળ, સુત્રાપાડામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગીર સોમનાથના સુત્રાપાડામાં સૌથી વધુ 22 ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યના ૪ તાલુકાઓમાં ૧૦ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. ગીર સોમનાથના વેરાવળ તાલુકામાં 20 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે વેરાવળ શહેર જળમગ્ન થયું હતું.
ગીર સોમનાથમાં બારેમેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. ભારે વરસાદ અહી આફતરૂપ બન્યો છે. એક સાથે તાલાલામાં સાત મકાન ધરાશાયી થયા છે. તાલાલામાં વરસાદને લીધે 65 મકાનો ક્ષતિગ્રસ્ત છે. ઘટનાની જાણ થતાં ધારાસભ્ય ભગા બારડ પૂરગ્રસ્ત વિસ્તારમાં પહોચ્યા હતા. વહેલી સવારથી જ ભગા બારડ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઇ રહયાં છે.
ભારે વરસાદના પગલે સ્કૂલની દિવાલ પણ ધરાશાયી થઇ છે. સુત્રાપાડામાં ભારે નુકસાનના કરાણે ભારે તારાજી સર્જાઇ છે. ખેતરો પાણીમાં ગરકાવ થઇ જતાં લીલા દૂષ્કાળ જેવી સ્થિતિ સર્જાતા ખેડૂતો ચિંતિત છે.