દ્વારકાના જગત મંદિરમાં લાગુ થયો ડ્રેસ કોડ: આવા કપડાં પહેરીને આવશો તો નહિ મળે મંદિર માં પ્રવેશ
દેશના અનેક મંદિરોમાં ડ્રેસ કોડ લાગુ થયા બાદ હવે ગુજરાતના દ્વારકાધીશ મંદિરમાં ભક્તોના ડ્રેસને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિર ટ્રસ્ટના નિર્ણય મુજબ, હવેથી કોઈ પણ ભક્ત ટૂંકા કપડા પહેરીને મંદિરમાં પ્રવેશ કરી શકશે નહીં.
મંદિર ટ્રસ્ટ તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર જગત મંદિર દ્વારકાની ગરિમા જાળવવા માટે ભારતીય સંસ્કૃતિ મુજબના વસ્ત્રો પહેરવા પડે છે. મંદિરની બહાર ડ્રેસ કોડ અંગે ગુજરાતી-હિન્દી-અંગ્રેજી ભાષામાં લખેલા બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે.

આ કપડાં પહેરીને આવશો તો પ્રવેશ નહીં મળે
મંદિરની બહારના બોર્ડ પર લખેલું છે કે મંદિર દર્શન માટેનું સ્થળ છે, પોતાના પ્રદર્શન માટે નથી. મંદિરમાં આવનારા તમામ ભક્તોને સાદા કપડા પહેરીને જ મંદિરમાં પ્રવેશ કરવા વિનંતી છે. ટૂંકા વસ્ત્રો, હાફ પેન્ટ, બર્મુડા, મિની ટોપ, મિની સ્કર્ટ, નાઈટ સૂટ, ફ્રોક્સ અને ફાટેલા જીન્સ પહેરેલા લોકોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.
આ અંગે ટ્રસ્ટી પાર્થ તલસાનિયાએ જણાવ્યું હતું કે મંદિરમાં આવતા અનેક ભક્તોની ફરિયાદ બાદ જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ વખતે ઘણા લોકોએ કહ્યું કે આવા કપડા પહેરવાથી અન્ય ભક્તોનું ધ્યાન ભટકાય છે. જેના કારણે હવે દેશના મંદિરોમાં ડ્રેસ કોડ લાગુ કરવામાં આવી રહ્યો છે.

મથુરાના રાધા રાણી મંદિરમાં સમાન ડ્રેસ કોડ
તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ મથુરાના રાધા રાણી મંદિરમાં પણ ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે. આ પછી યુપી, મધ્યપ્રદેશના ઘણા મંદિરોમાં આ જ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. મંદિરોમાં ભક્તોને હિંદુ સંસ્કૃતિનું પાલન કરવા વિનંતી કરવામાં આવી રહી છે. એટલા માટે તેમને યોગ્ય કપડાં પહેરવાનું કહેવામાં આવી રહ્યું છે.