મોરબીના ઘુંટુ ગામના તલાટી કમ મંત્રીની કામગીરી પર ગ્રામ પંચાયતના સદસ્યએ ફરી સવાલો ઉઠાવ્યા
ફરજમાં બેદરકારી દાખવનાર તલાટી મંત્રી સામે ટીડીઓએ પગલાં ન લીધા હોવાની ડીડીઓને ફરિયાદ
મોરબી તાલુકાના ઘુંટુ ગામના તલાટી મંત્રી ફરજમાં બેદરકારી દાખવતા હોવા છતાં આ અંગે ટીડીઓ દ્વારા તલાટી મંત્રી સામે કોઈ પગલાં લેવાયા ન હોય અને ટીડીઓ તલાટી મંત્રીને છાવરતા હોવાની ફરિયાદ ગ્રામ પંચાયતના સભ્ય મિલનભાઈ સોરીયાએ જિલ્લા વિકાસ અધિકારીને કરી છે.
મિલનભાઈ સોરીયાએ જિલ્લા વિકાસ અધિકારીને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, ઘુંટુ ગામના તલાટી મંત્રી ફરજમાં બેદરકારી દાખવી રહ્યા છે. સવારે 10 થી 12 સુધી જ પંચાયત કચેરીમાં હાજર રહે છે. તેમજ જે દિવસે ગેરહાજર રહેવાના હોય તે દિવસે પંચાયતને જાણ કરતાં નથી. જેના કારણે અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તેમજ તલાટી પંચાયતના સભ્ય સાથે ગેરવર્તણૂક કરે છે. આ અંગે તાલુકા વિકાસ અધિકારીને 21 જૂન 2024ના રોજ રજૂઆત કરવામાં આવી હતી. જેથી તાલુકા વિકાસ અધિકારી સાહેબે ગ્રામ પંચાયતની રૂબરૂ મુલાકાત પણ લીધી હતી. તે સમયે પણ તલાટી મંત્રી ગેરહાજર હતા. તેમ છતાં પણ તાલુકા વિકાસ અધિકારી સાહેબ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. જેથી તાલુકા વિકાસ અધિકારી તલાટી કમ મંત્રીને છાવરતા હોય, તેમના અંગત હોય તેવું સ્પષ્ટ જણાય છે.
