ટંકારામાં સરદાર લેઉવા પટેલ સમાજનો ૬ થો સમૂહ લગ્નોત્સવ રવિવારે યોજાશે
ટંકારામાં સરદાર લેઉવા પાટીદાર સમાજનો છઠ્ઠો શાહી સમૂહ લગ્નોત્સવ વસંત પંચમીના તા.2/2/2025ને રવિવારના રોજ યોજાશે. જેમાં 27 નવયુગલો પ્રભુતામાં પગલા માંડશે. આ સમૂહ લગ્ન ઉત્સવમાં પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓ,દાતાઓ, રાજકીય મહાનુભાવો, સામાજીક આગેવાનો ઉપસ્થિત રહેશે.
આ પ્રસંગે રવિવારે સવારે 8:30 કલાકે જ્ઞાતિ સ્નેહમિલન, અતિથી આવકાર, 9 વાગ્યે વિદ્યાર્થી સત્કાર સમારોહ યોજવામાં આવશે. બપોરે પ્રિતી ભોજન તથા 2:30 વાગ્યે જાન આગમન અને સાંજે 4 કલાકે દાતાઓનું સન્માન ત્યારબાદ ઢળતી સાંજે વર અને કન્યાનો હસ્ત મેળાપ પછીનો કાર્યક્રમ અને બાદમાં સંધ્યા ભોજન યોજાશે. આ લગ્ન ઉત્સવમાં કન્યાઓને સમિતિ દ્વારા 75 જેટલી વસ્તુઓનો કરિયાવર પણ અપાશે.
કાર્યક્રમનું આયોજન સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા તથા યુવા કમિટી કારોબારી કમિટી, મહિલા સમિતિ દ્વારા કરાયેલ છે. આ સમૂહ લગ્નનું સ્થાન રાજકોટ- મોરબી હાઇવે ઉપર આવેલ દેવકુંવર શૈક્ષણિક સંકુલ ટંકારા ખાતે રાખેલ છે. કંકોત્રી કેલેન્ડર સ્વરૂપે છપાવી આમંત્રણ કાયમ યાદગાર રહે અને ઉપયોગી થાય એવુ સરાહનિય કાર્ય કરવામાં આવ્યું છે. તેમ યાદીમાં જણાવાયું છે.