સુપ્રીમ કોર્ટે નૂહ હિંસા બાદ VHPની રેલીઓ પર પ્રતિબંધ મૂકવાનો કર્યો ઇનકાર, હરિયાણા, દિલ્હી-યુપી સરકારને નોટિસ
સુપ્રીમ કોર્ટે વિશ્વ હિંદુ પરિષદની રેલીઓ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કરી દીધો છે. તમને જણાવી દઈએ કે હરિયાણાના નૂહમાં થયેલી હિંસાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ આજે દિલ્હીમાં વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શન અને રેલીઓ કરી રહી છે. આ રેલીઓ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસવીએન ભાટીની બેન્ચે આ અરજી પર સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે ઉત્તર પ્રદેશ, હરિયાણા અને દિલ્હી સરકારને નોટિસ પાઠવી છે. કોર્ટ હવે આ મામલે ફરી 4 ઓગસ્ટે સુનાવણી કરશે.

રેલીઓની વિડીયોગ્રાફી કરવાનો આદેશ
વરિષ્ઠ વકીલ સીયુ સિંઘે અરજી દાખલ કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દિલ્હીમાં 23 સ્થળોએ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અરજીમાં આ મામલે વહેલી સુનાવણીની માંગ કરવામાં આવી હતી. અરજીની સુનાવણી કરતી વખતે, સર્વોચ્ચ અદાલતે વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો હતો પરંતુ કહ્યું હતું કે વિરોધ દરમિયાન કોઈ ઉશ્કેરણીજનક નિવેદનો અથવા કોઈપણ હિંસા ન હોવી જોઈએ. કોર્ટે સીસીટીવી કેમેરા વડે વિરોધ પ્રદર્શનની દેખરેખ અને વિડિયોગ્રાફી કરવાનો નિર્દેશ આપ્યો હતો અને જો જરૂર પડે તો વધારાના સુરક્ષા દળોને તૈનાત કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.

નૂહ હિંસા વિરુદ્ધ રેલીઓ કાઢવામાં આવી રહી છે
સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ આદેશ તમામ રાજ્યોને લાગુ પડશે. જણાવી દઈએ કે મંગળવારે હરિયાણાના નૂહમાં એક ધાર્મિક યાત્રા દરમિયાન બે સમુદાયો વચ્ચે હિંસા થઈ હતી. હિંસામાં છ લોકોએ જીવ ગુમાવ્યા છે અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. નૂહ, મેવાત, ગુરુગ્રામ અને આસપાસના વિસ્તારોમાં હજુ પણ તણાવ પ્રવર્તે છે. 2 ઓગસ્ટે ધાર્મિક યાત્રા પર થયેલા હુમલાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદે આજે દેશભરમાં ધરણાંની જાહેરાત કરી છે. VHPએ હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિવારને 1 કરોડ રૂપિયા અને ઘાયલોને 20 લાખ રૂપિયા વળતરની માંગ કરી છે. વીએચપીની માંગ છે કે જેમના વાહનો અને બસો નાશ પામ્યા છે તેમને પણ પુરુ વળતર આપવામાં આવે.