સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં સંડોવાયેલા સચિન બિશ્નોઈને લાવવામાં આવ્યો અઝરબૈજાનથી ભારત, લોરેન્સ બિશ્નોઈ સાથે છે આ કનેક્શન
તપાસ એજન્સી સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં સામેલ સચિન બિશ્નોઈને અઝરબૈજાનથી ભારત લાવી છે. સચિન બિશ્નોઈનું નામ સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ ચર્ચામાં આવ્યું હતું. સચિન બિશ્નોઈ લોરેન્સ બિશ્નોઈનો ભત્રીજો અને લોરેન્સ બિશ્નોઈ ગેંગનો મુખ્ય સભ્ય છે. સચિન બિશ્નોઈ વિશે એવું કહેવાય છે કે તેણે દુબઈ સ્થિત દિલ્હીના એક બિઝનેસમેન પાસેથી ખંડણી પણ માંગી હતી. સચિનને અઝરબૈજાનથી લાવવા માટે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમ અઝરબૈજાન પહોંચી હતી.
જણાવી દઈએ કે સિદ્ધુ મુસેવાલાની હત્યાના થોડા દિવસ પહેલા સચિન બિશ્નોઈ નકલી પાસપોર્ટ બનાવીને દિલ્હીથી ફરાર થઈ ગયો હતો. હવે જ્યારે સચિન ભારત આવશે ત્યારે ઘણા મોટા ખુલાસા થવાની આશા છે. ગેંગસ્ટર સચિન બિશ્નોઈની તાજેતરમાં અઝરબૈજાનમાંથી ધરપકડ કરવામાં આવી હતી. સચિને ભારતમાં રહીને મૂઝવાલા હત્યા કેસની યોજના ઘડી હતી અને પછી દિલ્હીથી બનાવટી પાસપોર્ટ મેળવીને અઝરબૈજાન ભાગી ગયો હતો. NIAએ લોરેન્સ બિશ્નોઈના મુખ્ય સહયોગી વિક્રમજીત સિંહ ઉર્ફે વિક્રમ બ્રારની UAEથી ભારત મોકલ્યા બાદ ધરપકડ કરી હતી. બ્રાર સિદ્ધુ મૂઝવાલાની હત્યા તેમજ નિર્દોષ લોકો અને ટાર્ગેટ કિલિંગમાં પણ સામેલ હતો.

મુસેવાલાની 29 મે 2022ના રોજ હત્યા કરવામાં આવી હતી
જણાવી દઈએ કે 29 મે 2022ના રોજ પ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. શૂટરોએ તેની કારનો પીછો કરીને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. કારમાં બેઠેલા શૂટરો લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર ગેંગના હતા. આ ભયાનક હત્યાકાંડમાં મુસેવાલાના શરીર પર 24 ગોળીઓના નિશાન જોવા મળ્યા હતા.
પાસપોર્ટ પર નકલી નામ લખેલું
જ્યારે તપાસ એજન્સીએ સચિનની અઝરબૈજાનથી ધરપકડ કરી ત્યારે તેની પાસેથી નકલી પાસપોર્ટ પણ મળ્યો હતો. સચિન પોતાનું પૂરું નામ સચિન થાપન લખે છે, જ્યારે તેની પાસેથી તિલક રાજ તુટેજાના નામનો પાસપોર્ટ મળી આવ્યો હતો. સચિનના પિતાનું સાચું નામ શિવ દત્ત છે, જ્યારે નકલી પાસપોર્ટમાં તેના પિતાનું નામ ભીમ સેન લખવામાં આવ્યું હતું.