RBI ગવર્નર શક્તિકાંત દાસને મળ્યું વિશ્વના ટોચના બેન્કરનું સન્માન, PM મોદીએ આપી અભિનંદન
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસને યુએસ સ્થિત મેગેઝિન 'ગ્લોબલ ફાઈનાન્સ' દ્વારા વૈશ્વિક સ્તરે ટોચના કેન્દ્રીય બેંકર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તેમને ગ્લોબલ ફાઇનાન્સ સેન્ટ્રલ બેંકર રિપોર્ટ કાર્ડ - 2023 માં 'A+' રેટિંગ આપવામાં આવ્યું છે. આ લિસ્ટમાં ત્રણ સેન્ટ્રલ બેંક ગવર્નરને 'A+' રેટિંગ આપવામાં આવ્યું છે, જેમાં દાસ ટોપ પર છે. સ્વિટ્ઝર્લેન્ડના ગવર્નર થોમસ જે જોર્ડન બીજા અને વિયેતનામના ગવર્નર ગુયેન થી હોંગ ત્રીજા ક્રમે આવ્યા હતા.
ગ્લોબલ ફાઇનાન્સ મેગેઝિને જણાવ્યું હતું કે ફુગાવા નિયંત્રણ, આર્થિક વૃદ્ધિના લક્ષ્યો, ચલણની સ્થિરતા અને વ્યાજ દર વ્યવસ્થાપનમાં સફળતા માટે સ્કેલ 'A' થી 'F' સુધીનો છે. ગ્રેડ A ઉત્તમ પ્રદર્શન સૂચવે છે, જ્યારે ગ્રેડ F એટલે સંપૂર્ણ નિષ્ફળતા. અગાઉ, જૂન 2023 માં, લંડન સેન્ટ્રલ બેંકે શક્તિકાંત દાસને ગવર્નર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કર્યા હતા.

પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સિદ્ધિ બદલ દાસને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું, આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસને અભિનંદન. સમગ્ર દેશ માટે આ ગૌરવની ક્ષણ છે. આ વૈશ્વિક મંચ પર અમારા નાણાકીય નેતૃત્વને પ્રતિબિંબિત કરે છે. તેમનું સમર્પણ અને વિઝન આપણા દેશના વિકાસને મજબૂત બનાવતું રહેશે.
આ મહિનાથી જ મોંઘવારીમાંથી રાહત મળશે
આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે ઈન્દોરમાં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ટામેટાં જેવા શાકભાજીના ભાવમાં ઘટાડાને કારણે છૂટક ફુગાવો આ મહિનાથી નરમ થવાની ધારણા છે. ફુગાવાને અંકુશમાં લેવા માટે, સરકારે બિન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ અને એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો જેવા અનેક પગલાં લીધા છે, એમ તેમણે જણાવ્યું હતું. દાસે કહ્યું કે, અમને આશા છે કે (છૂટક) ફુગાવો સપ્ટેમ્બરથી ઘટવાનું શરૂ થશે. જો કે ઓગસ્ટમાં છૂટક ફુગાવો ઊંચો રહેશે, અમે સપ્ટેમ્બરથી ફુગાવો નીચે આવવાની અપેક્ષા રાખીએ છીએ. દાસે કહ્યું કે, ટામેટાના ભાવ પહેલેથી જ ઘટી ગયા છે. આ મહિનાથી અન્ય શાકભાજીના છૂટક ભાવમાં પણ ઘટાડો થવાની ધારણા છે.