હજુ અટકી નથી મણિપુરની હિંસા! છેલ્લા 12 કલાકમાં ગોળીબારની ઘટનાઓમાં બે લોકોના મોત
હિંસાગ્રસ્ત મણિપુરમાં ફરી એકવાર ફાયરિંગની ઘટના સામે આવી છે, જેમાં બે લોકોના મોત થયા છે. મણિપુરમાં આ બે મૃત્યુ 12 કલાકના ગાળામાં થયા છે. આ સિવાય અધિકારીઓએ જણાવ્યું કે ગુરુવારે (31 ઓગસ્ટ) સવારે બિષ્ણુપુર જિલ્લાના ખોઇરેંટક તળેટી અને ચુરાચંદપુર જિલ્લાના ચિંગફેઇ અને ખૌસાબુંગ વિસ્તારોમાં બે જૂથો વચ્ચે ભારે ગોળીબાર થયો હતો.
અધિકારીઓના જણાવ્યા અનુસાર તાજેતરની ગોળીબારની ઘટના બુધવારે સાંજે બની હતી. ફાયરિંગમાં એક વ્યક્તિને માથામાં ગોળી વાગી હતી, જે બાદ તેનું સારવાર માટે ગુવાહાટી લઈ જવામાં આવતા રસ્તામાં તેનું મોત નીપજ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે ગુરુવારે સવારે 9 વાગ્યાની આસપાસ ચુરાચંદપુર જિલ્લા હોસ્પિટલમાં સારવાર દરમિયાન અન્ય એક ઘાયલ વ્યક્તિનું પણ મૃત્યુ થયું હતું.
મંગળવારે પણ હિંસા થઈ હતી
અધિકારીઓના જણાવ્યા અનુસાર, બુધવારે સાંજે ચિંગફેઈ વિસ્તારમાં ગોળીઓના ટુકડાથી ઘાયલ થયેલા પાંચ લોકોમાંથી ત્રણને ચુરાચંદપુર જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

અધિકારીઓએ જણાવ્યું હતું કે એક વ્યક્તિને તેના માથા પર ગોળી વાગી હતી, જ્યારે અન્ય લોકોને ખભા, પગ અને પીઠ પર ઈજાઓ થઈ હતી. દરમિયાન, મંગળવારે બિષ્ણુપુરના નારાયણસેના ગામ પાસે હિંસાની અલગ-અલગ ઘટનાઓમાં બે લોકોના મોત થયા હતા અને છ ઘાયલ થયા હતા.
સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું
દરમિયાન, મણિપુર પોલીસે X (અગાઉનું ટ્વિટર) પર લખ્યું હતું કે, સુરક્ષા દળોએ કાંગપોકપી, થોબલ, ચુરાચંદપુર અને ઇમ્ફાલ-પશ્ચિમ જિલ્લાના સરહદી અને સંવેદનશીલ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન, સુરક્ષા દળોએ 5 હથિયારો, 31 દારૂગોળો, 19 વિસ્ફોટક અને IED સામગ્રીના 3 પેક જપ્ત કર્યા છે.
રાજ્ય પોલીસે હિંસાગ્રસ્ત અલગ-અલગ જિલ્લાઓમાં 130 ચોકીઓ સ્થાપી છે. કાયદો અને વ્યવસ્થામાં ખલેલ પહોંચાડનારા 1,646 લોકોની અટકાયત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે મણિપુરમાં 3 મેના રોજ જાતિય હિંસા ફાટી નીકળ્યા બાદ 160 થી વધુ લોકોના મોત થયા છે. હિંસામાં સેંકડો લોકો ઘાયલ થયા છે.