જસપ્રીત બુમરાહે 2.0એ પ્રથમ T20 મેચમાં મચાવી દીધી તબાહી, કેપ્ટન તરીકે બનાવ્યો આ ખાસ રેકોર્ડ
ભારત અને આયર્લેન્ડ વચ્ચે પ્રથમ T20 મેચ 18 ઓગસ્ટે રમાઈ હતી. વરસાદથી પ્રભાવિત આ મેચમાં ભારતે ડકવર્થ-લુઈસ પદ્ધતિ અનુસાર 2 રને જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા આયર્લેન્ડે 20 ઓવરમાં 139 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે બે વિકેટ ગુમાવીને 47 રન બનાવ્યા હતા.
જસપ્રીત બુમરાહે પ્રથમ વખત T20ની કેપ્ટનશીપ કરી છે, તેણે આ મેચમાં માત્ર ટોસ જીત્યો જ નહીં પરંતુ એક અનોખો રેકોર્ડ પણ નોંધાવ્યો. વાસ્તવમાં બુમરાહને આયર્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. મેચ બાદ બુમરાહને 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો.

બુમરાહ આ મામલામાં પહેલો કેપ્ટન બન્યો છે
ભારતીય T20 ક્રિકેટના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે કોઈ નવોદિત કેપ્ટનને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ મળ્યો હોય. બુમરાહ આ ખિતાબ મેળવનાર પ્રથમ ભારતીય T20 કેપ્ટન બન્યો છે. પ્રથમ મેચમાં બુમરાહે ચાર ઓવરમાં 24 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.
બે વિકેટ મેળવીને પુનરાગમન કર્યું હતું
જણાવી દઈએ કે બુમરાહે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. લગભગ એક વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી રહેલા બુમરાહે પ્રથમ જ ઓવરમાં ટીમને સફળતા અપાવીને પોતાનું પુનરાગમન સફળ બનાવ્યું હતું.
બુમરાહ ઉપરાંત પ્રસીદ્ધ કૃષ્ણા અને રવિ બિશ્નોઈએ પણ પોતાની ઓળખ બનાવી હતી. ભારત માટે ટી20માં ડેબ્યૂ કરનાર કૃષ્ણાએ બે વિકેટ ઝડપી હતી. રવિ બિશ્નોઈએ 4 ઓવરમાં 23 રન આપીને 2 વિકેટ લીધી હતી.