ફરવાના શોખીન ગુજરાતીઓ માટે સારા સમાચાર : દેહરાદૂન, ઋષિકેશ, જમ્મૂ સહિત 39 ટુરિસ્ટ પ્લેસ માટે હવે ડાયરેક્ટ મળશે ફ્લાઇટ
મુસાફરો અમદાવાદ એરપોર્ટથી સીધા જ ભારતના બેસ્ટ 39 પર્યટક સ્થળોએ પહોંચી શકશે, ઉનાળું વેકેશનમાં SVPI એરપોર્ટ પરથી 39 સ્થળોનો પ્રવાસ સુગમ બનશે.
સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશન એરપોર્ટ પરથી હવે સીધા જ ભારતમાં 39 પર્યટક સ્થળોએ પહોંચી શકાશે. વિગતો મુજબ હવે દેહરાદૂન, મસૂરી, ઋષિકેશ અને ઉત્તરાખંડના પર્વતીય સ્થળોને ખુંદવા ઇચ્છતા લોકો અમદાવાદથી દેહરાદૂન દૈનિક સીધી ફ્લાઇટથી મુસાફરી કરી શકશે. આ સાથે જમ્મુની ડાયરેક્ટ ફ્લાઇટથી યાત્રાધામ વૈષ્ણોદેવી પણ સરળતાથી પહોંચી શકાશે.
SVPIA દરરોજ 240થી વધુ ફ્લાઈટ્સ
મહત્વનું છે કે, અમદાવાદનાં સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશન એરપોર્ટથી દરરોજ 240થી વધુ ફ્લાઈટ્સ હોય છે. આ સાથે અમદાવાદ એરપોર્ટથી સરેરાશ દૈનિક 31000થી વધુ મુસાફરો અવર જ્વર કરે છે. દેશના પર્વતો અને જંગલો ખેડવા એર કનેક્ટિવિટી વધતાં હવે ઉનાળુ વેકેશનમાં ગુજરાતીઓને જલસા પડી જશે.