તમિલનાડુમાં ટ્રેનમાં આગ, પ્રવાસી કોચમાં 10 મુસાફરો બળીને ખાખ; 20 ઘાયલ
તમિલનાડુમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પેસેન્જર ટ્રેનમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં સૌથી પહેલા આઠ લોકોના મોતના સમાચાર સામે આવ્યા હતા. હાલમાં જે તાજેતરની માહિતી મળી રહી છે તે મુજબ 10 લોકોના મોત થયા છે. જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે. દક્ષિણ રેલવેના એક અધિકારીએ કહ્યું છે કે પેસેન્જર કમ્પાર્ટમેન્ટમાં ગેસ સિલિન્ડર ગેરકાયદેસર રીતે લાવવામાં આવ્યા હતા, જેના કારણે આગ લાગી હતી.
દક્ષિણ રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “પુનાલુર-મદુરાઈ એક્સપ્રેસમાં આજે સવારે 5:15 વાગ્યે મદુરાઈ યાર્ડ ખાતે એક ખાનગી કોચમાં આગ લાગી હતી. ફાયર વિભાગે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. અન્ય કોચને કોઈ નુકસાન થયું નથી. મુસાફરોએ કથિત રીતે ગેસ સિલિન્ડરની દાણચોરી કરી હતી, જેના કારણે આગ લાગી હતી.

તમને જણાવી દઈએ કે મદુરાઈ રેલવે સ્ટેશન પાસે ટ્રેનમાં ભીષણ આગ લાગી હતી. ટ્રેનના ટૂરિસ્ટ કોચમાં આગ લાગી હતી. જેના કારણે આઠ લોકોના મોત થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આગ સવારે લગભગ 5.15 વાગ્યે લાગી હતી. આ દરમિયાન ટ્રેનને મદુરાઈ યાર્ડ જંક્શન પર રોકી દેવામાં આવી હતી.
દક્ષિણ રેલ્વેએ એક નિવેદન જારી કરીને કહ્યું કે મૃતકના પરિવારને 10 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા આપવામાં આવશે. તેમણે આ ઘટનાને દુ:ખદ ગણાવી છે.